VIDEO:’પેંડા ગેંગ’ના સાગરીતે ભાજપ અગ્રણીના વાહનો ફૂંકી માર્યા! રાજકોટ પોલીસે આરોપીની ધરપકડ કરી જાહેરમાં માફી મગાવી
રાજકોટ પોલીસે પેંડાગેંગને નેસ્તનાબુદ કરવા 17 શખસોને ગુજસીટોકમાં ધકેલ્યા છતાં `હમ નહીં સુધરેંગે’ની જેમ મવડી નવલનગર-9 મુરલીધર ચોક પાસે રહેતા ભાજપ અગ્રણીની એક કાર, બે બાઇકમાં મોડી રાત્રિના જુની અદાવતમાં `પેંડા ગેંગ’ના સાગરીતે આગ ચાંપી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવને પગલે ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આગ ઓલવી હતી જ્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો અને આજે (26 ડિસેમ્બરે) પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી મંગાવીને સરભરા કરાવી હતી.
આ અંગેની વિગતો મુજબ, નવલનગર 9, મુરલીધર ચોક પાસે ગાત્રાડ કૃપા મકાનમાં રહેતા અને વોર્ડ નંબર 12ના મીડિયા સેલના પ્રમુખ ભરતભાઈ કાળુભાઈ સિંધવે માલવિયાનગર પોલીસ મથકમાં આરોપી યશ ઉર્ફે ઠૂંઠી રસિકભાઈ બકરાણીયા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બનેવી લખમણભાઈ બાંભવાના નામની એક સ્વિફ્ટ કાર તેઓ ઉપયોગ કરે છે. તેમજ તેમનું એક એકટીવા અને ઇલેક્ટ્રિક મોટરસાયકલ ઘરની બહાર પાર્ક કરીને રાખેલા હતા. રાત્રિના આશરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં જ્યારે પરિવાર નિદ્રાધીન હતો ત્યારે પાડોશી જગદીશ ટોડીયા એ ઘરનું પકડાવેલ અને જણાવેલ કે બહાર પડેલ તમારા વાહનોમાં આગ લાગેલ છે. પરિવારના સભ્યો બહાર આવીને આગની જ્વાળામાં ભડભડ બળતાં વાહનોને બચાવવા પ્રયાસ કર્યો હતો.
દરમિયાન આરોપી યશ ઉર્ફે ઠુંડી પોતાનું એક્ટિવા લઈને ઘર પાસેથી પસાર થયો હતો અને “મેં જ સળગાવ્યા છે” તેવું કહીને નાશી છૂટ્યો હતો. બનવાં અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી આજુબાજુમાં આવેલા રહેણાક મકાનો આગની ઝપેટમાં આવતા બચાવ્યા હતા.

ફરિયાદમાં ભરતભાઈએ વધુમાં જણાવ્યું કે, ગત શુક્રવારે ગોકુલધામ ગેઈટ પાસે ભરતભાઈના ભાઈઓ જયેશભાઈ અને બાબુભાઈ સાથે આરોપી યશને ગાળાગાળી અને મજાક-મશ્કરી બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ મામલે અગાઉ પોલીસ ફરિયાદ પણ થઈ હતી, જેનો બદલો લેવા માટે યશે મધરાતે ભાજપ અગ્રણીના રહેણાંક વિસ્તારમાં પહોંચી પેટ્રોલ ભરેલી બોટલ વડે વાહનોને નિશાન બનાવ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે સ્પષ્ટ થયું છે કે આરોપીએ કાર નીચે કોથળો મૂકી આગ ચાંપી હતી આ બનાવમાં 8.30 લાખનીકિંમતના વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
બનવાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે રાત્રિના જ ગણતરીની કલાકોમાં તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપી યશ બકરાણીયાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આરોપી અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને તે કુખ્યાત `પેંડા ગેંગ’ નો સાગરિત છે.
