દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’થી નવાજવામાં આવશે : કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત
સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનની જાહેરાત કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના એક્સ હેન્ડલ પરથી કરી છે. માહિતી આપતા તેમણે કહ્યું કે 70માં ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સમાં મિથુન ચક્રવર્તીને સિનેમાનો સૌથી મોટો એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ સમારોહ 8મી ઓક્ટોબરે યોજાવા જઈ રહ્યો છે.
Mithun Da’s remarkable cinematic journey inspires generations!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 30, 2024
Honoured to announce that the Dadasaheb Phalke Selection Jury has decided to award legendary actor, Sh. Mithun Chakraborty Ji for his iconic contribution to Indian Cinema.
🗓️To be presented at the 70th National…
તેના X હેન્ડલ પર માહિતી જાહેર કરતા, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પીઢ અભિનેતાને તેમની નોંધપાત્ર સિનેમેટિક સફર અને ભારતીય સિનેમામાં યોગદાન માટે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, “મિથુન દાની નોંધપાત્ર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે. દાદાસાહેબ ફાળકે પસંદગી જ્યુરીએ પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના વિશિષ્ટ યોગદાન માટે એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.” તેમણે એ પણ માહિતી આપી હતી કે 8 ઓક્ટોબર, 2024ના રોજ યોજાનાર 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મિથુન ચક્રવર્તીને એવોર્ડ આપવામાં આવશે.
ડિસ્કો ડાન્સર તરીકે પ્રખ્યાત સ્ટાર મિથુન ચક્રવર્તીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે. તે હાલમાં જ ફિલ્મ ‘કાબુલીવાલા’માં જોવા મળ્યા હતા. હિન્દી ઉપરાંત, તેણે બંગાળી, ઉડિયા, ભોજપુરી, તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે, તે 48 વર્ષથી વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે. તેમની ઉત્કૃષ્ટ અભિનયને કારણે તેમને 3 વખત નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
મિથુન દાને પદ્મ ભૂષણથી પણ કરવામાં આવ્યા હતા સન્માનિત
કોલકાતાની ગલીઓથી બોલીવુડ ડિસ્કો ડાન્સર બનવા સુધીની સફર મિથુન માટે બિલકુલ સરળ ન હતી. સિનેમાની ઊંચાઈ સુધી પહોંચવા માટે તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યાના સમાચાર તેમને પદ્મ ભૂષણ એનાયત થયાના થોડા મહિના પછી જ આવ્યા છે. આ સમારોહ એપ્રિલમાં થયો હતો અને અભિનેતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી સન્માન સ્વીકારતો જોવા મળ્યો હતો.
મિથુન ચક્રવર્તીની સફર
મિથુન ચક્રવર્તીએ 1976માં એક નાનકડા રોલથી અભિનયની સફર શરૂ કરી હતી. આ ફિલ્મ હતી ‘દો અંજાને’, ત્યાર બાદ તેને 1977માં લીડ તરીકે સ્વીકૃતિ મળી. તેમની પહેલી જ ફિલ્મ ‘મૃગયા’ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની પહેલી જ ફિલ્મ માટે નેશન એવોર્ડ જીતનારા થોડા સ્ટાર્સમાં તેમનું નામ કાયમ માટે નોંધાયેલું છે. 1982માં તેની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ રીલિઝ થઈ હતી, જેના પછી તે લાઈમલાઈટમાં આવ્યા હતા. આ ફિલ્મે એશિયા, સોવિયેત યુનિયન, પૂર્વીય યુરોપ, મધ્ય પૂર્વ, તુર્કી અને આફ્રિકામાં ઉત્તમ બિઝનેસ કર્યો હતો.
આ ફિલ્મોમાં મિથુનનો દબદબો રહ્યો
જો હાલના સમયની વાત કરીએ તો તે ‘ઓહ માય ગોડ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેની સફળ કારકિર્દીમાં ‘અગ્નિપથ’, ‘મુઝે ઈન્સાફ ચાહિયે’, ‘હમ સે હૈ જમાના’, ‘પસંદ અપની અપની’, ‘ઘર એક મંદિર’ અને ‘કસમ પૈદા કરને વાલે કી’ અને અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.