રાજકોટમાં વ્યાજખોરનો આતંક: રિક્ષાચાલકને વ્યાજના વિષચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરતા મહિલા સહિત 3 સામે ફરિયાદ
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા આધેડે રોજીરોટી બચાવવા મહિલા પાસેથી લીધેલા વ્યાજે રૂપિયા લીધા હોય જે બાદ તે આ વિષચક્રમાં ફસાયો હતા. ધંધો ન ચાલતો હોય ત્યારે વ્યાજ ચૂકવવા બીજા બે શખસો પાસેથી પણ આવી જ રીતે રૂપિયા લીધા હતા જો કે આરોપીઓ વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી કંટાળીને સમગ્ર મામલે પોલીસને જાણ કરતા મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે.
આ અંગેની વિગતો મુજબ,જંગલેશ્વર કીર્તીધામ સોસાયટીમાં રહેતા સંતારભાઇ ખમીશાભાઈ પતાણી (ઉ.વ.50)એ ભક્તિનગર પોલીસ મથકમાં આરોપી તરીકે કુલસુમબેન મેમણ, હનીફ અને યુવરાજ ડાંગર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. આશરે ચાર વર્ષ પહેલાં ભવાની ચોક નજીક પાનની દુકાને જતી વખતે તેમનો પરિચય કુલસુમબેન મેમણ સાથે થયો હતો. બે વર્ષ પહેલાં રિક્ષાના એન્જિન રિપેરિંગ માટે પૈસાની જરૂર પડતા તેમણે કુલસુમબેન પાસેથી કટકે-કટકે કુલ 3.10 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા.તેઓ દર મહિને 30,000 વ્યાજ પેટે ચૂકવતા હતા.
આ પણ વાંચો :‘સાહેબ’ની ચેમ્બર બહાર વેઈટિંગમાં બેઠેલા કોર્પોરેટરો હવે કહેવા લાગ્યા, અમારા ઉપર ‘દાઝ’ નીકળતી હોય એવું લાગે છે! વાંચો કાનાફૂસી
છેલ્લા બે વર્ષથી નિયમિત વ્યાજ ભર્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી આર્થિક તંગીને કારણે તેઓ વ્યાજ ભરી શક્યા નહોતા. જેને પગલે કુલસુમબેને ઉઘરાણી ચાલુ કરી હતી. આ ત્રાસથી બચવા માટે સંતારભાઇ ઘર છોડીને પટેલનગર વિસ્તારમાં એક કારખાનામાં રાત્રે સુવા જતાં રહેતા હતા. રીક્ષામાં માંડ ઘરનું ગુજરાન ચાલતું હોય બીજી બાજુ દર મહિને હજારો રૂપિયા ફક્ત વ્યાજના જ ચૂકવવા હોય જે ભરવા ફરિયાદીએ દેવપરામાં રહેતા હનીફ નામના શખસ પાસેથી 20,000ની ડાયરી કરાવી હતી, જેમાં વ્યાજ કાપીને રકમ આપવામાં આવી હતી. જે રકમનું દોઢ વર્ષમાં અંદાજે દોઢ લાખ રૂપિયા વ્યાજે ચૂકવ્યું હતું. સંતારભાઇ આવી જ રીતે યુવરાજ ડાંગર નામના શખસ પાસેથી 30, 000ની ત્રણ ડાયરી કરાવી હતી. મહિલા સહિત ત્રણેય વ્યાજખોરો ફરિયાદીના ઘરે જઈ વારંવાર ઉઘરાણી કરતાં હોય જેથી કંટાળીને સંતારભાઈએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
