હમાસના મદદગાર ઈરાન સામે અમેરિકાના પ્રતિબંધ
ઇરાનના બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન કાર્યક્રમોમાં મદદ કરનારા પર પ્રતિબંધ, યુએવી વિકસાવી નહીં શકે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાન હમાસને સમર્થન આપી રહ્યું છે. એટલું જ નહીં દુશ્મન દેશ ઈઝરાયેલ વિરુદ્ધ લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહને પણ સમર્થન આપી રહ્યું છે ત્યારે અમેરિકાએ ઈરાન પર મોટી કાર્યવાહી કરી પ્રતિબંધો જાહેર કર્યા હતા. જો કે ચીનએ આ પ્રતિબંધોનો વિરોધ કર્યો છે.
બાયડન વહીવટીતંત્રે બુધવારે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને નિશાન બનાવીને નવા પ્રતિબંધો લાદ્યા હતા. ઈરાન, હોંગકોંગ, ચીન અને વેનેઝુએલામાં સ્થિત લોકો અને કંપનીઓ પર ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને સક્ષમ કરવા માટે નવા પ્રતિબંધો લાદ્યા છે, તેમ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. ઈરાન હવે યુએવી પણ વિકસાવી નહીં શકે તેવા પ્રતિબંધો જાહેર કરાયા છે.
ટ્રેઝરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રતિબંધો એવા વ્યક્તિઓને નિશાન બનાવે છે જેમણે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને ઈરાનના સંરક્ષણ મંત્રાલયને મિસાઈલ અને ડ્રોન બનાવવામાં મદદ કરી હતી.
અમેરિકાએ પ્રતિબંધ માટે કરી કાર્યવાહી
અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલા નવા પ્રતિબંધો એવા સમયે આવ્યા છે જ્યારે 2015થી ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ પર યુએનના પ્રતિબંધોની મુદત પૂરી થઈ ગઈ છે. ઈરાન પર આ પ્રતિબંધો એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે.
હકીકતમાં ઈરાને છેલ્લા 8 વર્ષમાં પરમાણુ કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. જર્મની, ફ્રાન્સ, યુકે અને યુએસએ જણાવ્યું હતું કે, તેઓ યુએનના પ્રતિબંધો સમાપ્ત થયા હોવા છતાં તેમના પોતાના રાષ્ટ્રીય પ્રતિબંધો દ્વારા ઈરાનના મિસાઈલ પ્રોગ્રામમાં સમાન અવરોધો લાદશે.