US સંસદમાં મોદી–પુતિનની તસવીરથી બબાલ:સાંસદે ટ્રમ્પ સરકારને ઘેરી!
અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની સાથે કારમાં બેસેલી તસવીર ભારે ચર્ચામાં રહી.
કોંગ્રેસ સાંસદ સિડની કમલાગર–ડોવે આ તસવીરને મોટું પોસ્ટર બનાવી સંસદમાં બતાવી અને ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત નીતિને નિશાન બનાવી.
તેમણે કહ્યું કે અમેરિકા પોતાની વિદેશ નીતિ દ્વારા ભારતને રશિયા તરફ ધકેલી રહ્યું છે અને આ પરિસ્થિતિ માટે ભારત નહીં, પરંતુ અમેરિકાની જ નીતિઓ જવાબદાર છે.
સાંસદે તીવ્ર શબ્દોમાં કહ્યું કે આ રીતે વ્યૂહાત્મક ભાગીદારોને દૂર ધકેલીને અમેરિકા ક્યારેય નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મેળવી શકે. તેમણે કોંગ્રેસને અપીલ કરી કે અમેરિકા–ભારત સંબંધોને તાત્કાલિક સુધારવા પડશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયે પુતિનની ભારત મુલાકાત દરમિયાન મોદી અને પુતિનની કાર સવારીને બંને દેશોની ગાઢ મિત્રતાનું પ્રતિક માનવામાં આવ્યું હતું, જેને લઈ અમેરિકામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે.
