અભૂતપૂર્વ-હ્રદયસ્પર્શી ઘટના: કેરળની 10 મહિનાની દીકરી બની અંગ દાતા! 5 લોકોને નવજીવન આપનાર બાળકીની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
કેરળમાં એક અભૂતપૂર્વ અને હ્રદયસ્પર્શી ઘટનામાં માત્ર 10 મહિનાની એક બાળકીની અંતિમવિધિ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી હતી. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી આ ફુલ જેવી બાળકી બ્રેન-ડેડ જાહેર થતાં તેના પરિવારજનોએ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. એ રીતે આ બાળકી રાજ્યની સૌથી નાની ઉંમરની અંગદાતા બની. પાંચ લોકોને જીવનદાન આપનાર આ “જીવનદાતા” બાળકી માટે આખું કેરળ ભાવુક બની ગયું અને બાદમાં તેને અનોખું અને ગૌરવસભર અંતિમ સન્માન આપવામાં આવ્યું હતું
પથાનમથિટ્ટા જિલ્લાના અરું અબ્રાહમ અને શેરિન એન્ન જોનની 10 મહિનાની પુત્રી આલિન શેરિન અબ્રાહમને રવિવારે આંખોમાં આંસુ અને હૃદયમાં ગૌરવ સાથે અંતિમ વિદાય આપવામાં આવી. બાળકીની દફનવિધિ ચર્ચ ખાતે યોજાઈ હતી, જ્યાં પોલીસ દળે વિધિવત ગાર્ડ ઓફ ઓનર આપ્યું. શોકગ્રસ્ત પરિવાર સાથે ઉપસ્થિત હજારો લોકોએ જ્યારે અશ્રુ ભરી આંખે ભાળકીને વિદાય આપી ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું.
આલિન થોડા દિવસ પહેલાં થયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં અને બાદમાં કોચી ખાતે ઉચ્ચ સારવાર આપવામાં આવી હતી.પરંતુ 12 ફેબ્રુઆરીએ ડોક્ટરોએ તેને બ્રેન-ડેડ જાહેર કરી હતી.
આ ઘેરા દુઃખ વચ્ચે માતા-પિતાએ અદભૂત માનવતા દર્શાવી. તેમણે બાળકીના લિવર, કિડની, હાર્ટ વાલ્વ અને કોર્નિયા દાન કરવાનો નિર્ણય લીધો. એ અંગો પહોંચાડવા માટે કોચીથી તિરુવનંતપુરમ સુધી 230 કિમી નો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો અને સફળ ટ્રાન્સપ્લાન્ટ પછી પાંચ ગંભીર રીતે બીમાર બાળકોને નવજીવન મળ્યું,જેમાં એક 6 મહિનાના શિશુને લિવર અને 10 વર્ષના બાળકને કિડની મળ્યાં.
આ પણ વાંચો:રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી કાર્યવાહી: ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી છ આરોપીઓની ધરપકડ, કુલ 11 લોકોને ઝડપી પાડયા
રાજ્ય સરકારે બાળકી અને તેના માતા-પિતાની માનવતાને સન્માન આપવા રાજ્ય સન્માન સાથે અંતિમવિધિ કરવાની જાહેરાત કરી. અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા. લોકોએ જનાજા પર પુષ્પ વર્ષા કરી. કેરળના આરોગ્ય મંત્રી, કેન્દ્રીય મંત્રી ગોપી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા.આલિનનું જીવન માત્ર દસ મહિના રહ્યું, પરંતુ તેના દાનથી પાંચ ઘરોમાં દીવો પ્રગટ્યો. શોકની વચ્ચે જન્મેલી આ કરુણા કથા કેરળ માટે નહીં, સમગ્ર દેશ માટે માનવતાનો સંદેશ બની ગઈ.
મહાનુભાવો દ્વારા ભવ્ય શ્રધ્ધાંજલિ
- માતા-પિતાનો નિર્ણય “અપાર કરુણાનું પ્રતિક” –
મુખ્યમંત્રી પિનારાયી વિજયન - જીવન અને આશાનું અનમોલ દાન :રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર
- તમારું બાળક હવે પાંચ બાળકોમાં જીવતું રહેશે – અભિનેતા કમલ હાસન
- સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ – આરોગ્ય મંત્રી વીના જ્યોર્જ
- માનવતાનું અવિસ્મરણીય કાર્ય – કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી
