કેન્દ્રીય બજેટ 2025 : હેલ્થ સેક્ટરમાં કરવેરા ઘટશે કે પછી વધુ સારું ભંડોળ મળશે ?? વાંચો વિશેષ અહેવાલ
આ બજેટ પાસેથી ઘણા બધાને ઘણી બધી અપેક્ષાઓ છે પરંતુ હેલ્થ કેર સેક્ટરને વિશેષ આશાઓ છે.
ભારત દેશ ૨૦૨૫ના કેન્દ્રીય બજેટ માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે હેલ્થકેર સેક્ટરની માંગણીઓ છે કે દેશભરમાં આરોગ્ય-સંભાળની સુલભતા અને ગુણવત્તામાં સુધારો થાય. જાણકારો અને નિષ્ણાતો 2030 સુધીમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ (UHC- યુનિવર્સલ હેલ્થ કવરેજ) હાંસલ કરવાના ધ્યેય સાથે, જે જરૂરિયાત પર ફોકસ કરી રહ્યા છે એ છે પબ્લિક હેલ્થકેર સેક્ટરનો ખર્ચ છે. તેમાં નવા ધિરાણ મોડેલો અને શહેરી-ગ્રામીણ હેલ્થકેર સેક્ટરના અંતરને દૂર કરી શકાય તેવી યોજનાઓ અમલમાં મુકવાનો પ્લાન છે.
હેલ્થકેરના ખર્ચમાં વર્તમાન પડકારો
નેશનલ હેલ્થ એકાઉન્ટ્સના ડેટા અનુસાર, ભારતમાં હેલ્થકેર સેક્ટરનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. આ ખર્ચ 2013-14માં 64.2% હતો અને તે 2021-22માં 39.4% રહ્યો છે. જોકે પબ્લિક હેલ્થકેર સેક્ટરનો ખર્ચ આ જ સમયગાળા દરમિયાન GDPના 1.13% થી વધીને 1.84% થયો છે, પરંતુ તે હજુ પણ 2030 માટે નિર્ધારિત 3% લક્ષ્ય કરતાં ઓછો છે.
ફોર્ટિસ હોસ્પિટલના ન્યુરોલોજીના વડા ડૉ. પ્રવીણ ગુપ્તા માને છે કે પબ્લિક હેલ્થકેર સેક્ટર પર ખર્ચ વધારવા માટે એક રોડમેપની જરૂર છે. વધુમાં તેઓએ જણાવ્યું કે સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓથી વંચિત ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળની પહોંચ વધારવા માટે વ્યૂહાત્મક રોકાણો અને સમાવિષ્ટ નીતિઓ મહત્વપૂર્ણ છે.
ફાઇનાન્સિંગ અને ઇનોવેશન
આરોગ્યસંભાળના માળખાના વિસ્તરણ માટે નવા ફંડ સોલ્યુશનની જરૂર છે. નિષ્ણાતો “ફંડ ઓફ ફંડ” બનાવવાનું, જાહેર-ખાનગી ભાગીદારી (PPPs) ને પ્રોત્સાહન આપવાનું અને રિયલ એસ્ટેટ ઇન્ટરેસ્ટ ટ્રસ્ટ (REITs) જેવા હેલ્થ-સ્પેશીયલ ટ્રસ્ટ શરૂ કરવાનું સૂચન કરે છે. ડૉ. ગુપ્તાએ તો એવું પણ કહ્યું છે કે કસ્ટમ ફંડિંગ મિકેનિઝમ ઇનોવેશનને પ્રોત્સાહન આપી શકે છે અને આપણા દેશની વૃદ્ધોની વસ્તીની વધતી જતી માંગને પૂર્ણ કરી શકે છે.
કર માળખામાં ફેરફાર:
હોસ્પિટલો પર નાણાકીય દબાણ ઓછું કરવા અને દર્દીઓ માટે આરોગ્યસંભાળને વધુ સસ્તું બનાવવા માટે નેતાઓ કર સુધારાની હિમાયત કરી રહ્યા છે. તેમના સૂચનોમાં:
– આરોગ્ય સેવાઓ પર GST શૂન્ય કરવો અથવા તેને ઘટાડીને 5% કરવો.
– નવા હેલ્થકેર પ્રોજેક્ટ્સ માટે આવકવેરા કાયદાની કલમ 35AD હેઠળ 150% કર કપાત પુનઃસ્થાપિત થાય.
– નવા પ્રોજેક્ટ્સ પર 15 વર્ષ અને હાલની સુવિધાઓ પર 10 વર્ષ માટે કર મુક્તિ આપવાની હિમાયત.
શહેરી-ગ્રામીણ ભેદને દૂર કરો
ભારતની 70% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જ્યારે 80% આરોગ્યસંભાળ નિષ્ણાતો શહેરોમાં કેન્દ્રિત છે. આ અસંતુલનને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત સંભાળ કે અદ્યતન તબીબી સાધનો પહોંચી શકતા નથી.
પીએસઆરઆઈ હોસ્પિટલના ડીજીએમ ફાઇનાન્સ અનૂપ મહેરાએ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળના વ્યાવસાયિકોને આકર્ષવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે સરકારે કુશળ વ્યાવસાયિકોને પ્રોત્સાહન આપવું જોઈએ અને વંચિત વિસ્તારોમાં વ્યાપક આરોગ્યસંભાળની ઇકોસિસ્ટમમાં રોકાણ કરવું જોઈએ.
આયુષ્માન ભારત યોજનાએ નાના શહેરોમાં આરોગ્યસંભાળની પહોંચમાં સુધારો કર્યો છે, પરંતુ તેનું ખર્ચ મોડેલ ઘણીવાર સેવાઓના વાસ્તવિક ખર્ચને આવરી લેવામાં નિષ્ફળ જાય છે. નિષ્ણાતો ગ્રામીણ વિસ્તારોમાં આ સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખવા માટે આ પેકેજ દરોને વાજબી બનાવવા અને વીજળી અને અન્ય સંચાલન ખર્ચ માટે સબસિડી આપવાની ભલામણ કરે છે.
બિન-ચેપી રોગો
એવો અંદાજ છે કે 2030 સુધીમાં બિન-ચેપી રોગોને કારણે ભારતને 6 ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે. આ વધતા પડકારને કાબુમાં લેવા માટે વ્યાપક સ્ક્રીનીંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમો આવશ્યક છે. ડાયગ્નોસ્ટિક સેન્ટરો માટે કર મુક્તિ અને તબીબી ઉપકરણો પર ઓછી આયાત ડ્યુટી પ્રારંભિક તપાસને સસ્તું અને સુલભ બનાવી શકે છે તેવું સિટી એક્સ-રેના સીઈઓ આકાર કપૂરે આ વાત પર ભાર મૂકીને જણાવ્યું છે.
મેડીકલ ટુરીઝમ
ભારતમાં મેડીકલ ટુરીઝમ માટે અપાર સંભાવનાઓ છે તેના બે કારણો છે એક તો તબીબી ખર્ચ અને બીજો મુદ્દો છે નિષ્ણાત મેડિકલ સર્વિસ. ડૉ.એન કે. પાંડે કે જે એશિયન હોસ્પિટલના ચેરમેન છે તેમના મતે, સુવ્યવસ્થિત વિઝા પ્રક્રિયા અને મેડીકલ ટુરીઝમમાંથી થતી આવક પર કર મુક્તિ ભારતને વર્લ્ડ હેલ્થકેર સેક્ટર તરીકે સ્થાપિત કરી શકે છે.
માનસિક સ્વાસ્થ્ય, જે એક ઉપેક્ષિત ક્ષેત્ર રહ્યું છે, તેના પર પણ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. હાલમાં, આરોગ્યસંભાળના બજેટનો માત્ર 1% માનસિક સ્વાસ્થ્ય માટે ફાળવવામાં આવે છે. ભારતમાં 22% યુવાન માતાઓ આ સ્થિતિથી પીડાય છે, તેથી નિષ્ણાતોએ ભંડોળ વધારવા, જાગૃતિ ઝુંબેશ શરૂ કરવા અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કાર્યક્રમોને ટેકો આપવાનું સૂચન કર્યું છે.
હોસ્પિટલોની માળખાગત સુવિધા
હોસ્પિટલોને માળખાગત રોકાણ તરીકે ફરીથી વર્ગીકૃત કરવાથી આરોગ્યસંભાળ સુવિધાઓના આધુનિકીકરણ માટે લાંબા ગાળાના ભંડોળ આકર્ષિત થઈ શકે છે. વેદ રિહેબિલિટેશન એન્ડ વેલનેસના સીઈઓ મનુ ઠાકુર કહે છે કે તબીબી ઉપકરણો પર વ્યાજ દરની સબસિડી આ પરિવર્તનને વધુ વેગ આપશે.
વીમાનો વ્યાપ
આયુષ્માન ભારત જેવી યોજનાઓ છતાં, વીમાનો વ્યાપ ઓછો છે. બધા નાગરિકો માટે આરોગ્ય વીમો ફરજિયાત બનાવવા અને સ્વ-રોજગાર વ્યાવસાયિકોને પણ કવરેજ આપવાથી પરિવારોને મોટા કે અચાનક આવી પડતાં ખર્ચથી બચાવી શકાય છે.
ભારત એક ખેતી પ્રધાન દેશ છે એવું નાનપણમાં આપણે ભણી લીધું. ત્યારે પણ એવું સમજાવવામાં આવ્યું કે ભારત ધંધા રોજગાર માટે યોગ્ય દેશ છે કેમકે ભારત પાસે દરિયા કીનારાના વિસ્તારનું વરદાન છે. સર્વિસ સેક્ટર આપણાં દેશનું પહેલેથી જ આકર્ષણ વાળ રહ્યું છે. પરંતુ વાત જ્યારે આરોગ્યની આવીને ઊભી રહે ત્યારે આપણે આગળ આવીને કે અગ્રતાક્રમે નથી રહેતા એનું કારણ અને એના ઉપાયો ઉપરોક્ત નિષ્ણાતોએ જણાવી આપ્યું. દેશમાં રહેતા લોકોને જલ્દી ફોરેન જઈને ભણી લેવું છે, કમાઈ લેવું છે ને સેટલ પણ થઈ જવું છે પણ એક ડહાપણ દાઢ કઢાવવા જેવી નાની વાત માટે પણ ઇન્ડિયા દોડી આવવું છે. શું કામ? તો કહે સસ્તું પડશે અને સારા ડૉકટર મળશે. ત્યાં મોંઘું પડે છે એવું પણ ઉમેરશે. જો આરોગ્યની સુવિધાઓ ઇન્ડિયામાં આટલી સરળતાથી ઉપલબ્ધ હોય તો એમાં કર માળખામાં કરવામાં આવતા ફેરફારો કે ગુણવત્તાના ધોરણે નીતિઓ અને યોજનાઓમાં સુધાર લાવવામાં આવે તો આપણા પ્રધાનમંત્રી સાહેબનું સ્વસ્થ ભારતનું સપનું સાકાર થવામાં પણ મદદ થશે.