ચીનમાં કોરોના જેવો વાયરસ ફેલાયો : વાયરસની નાના બાળકો પર સૌથી વધુ અસર, હોસ્પિટલો ભરચક્ક ; સ્મશાનગૃહોમાં ભીડ
પાંચ વર્ષ પહેલાં ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવિડ 19 વાયરસે સર્જેલી તબાહી હજુ લોકો ભૂલ્યા નથી ત્યાં એ વાયરસને જ મળતા હ્યુમન મેટાપ્યુમો નામે ઓળખાતા વાયરસનું સંક્રમણ વધતા ભારે ભય ફેલાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોસ્પિટલો અને સ્મશાનગૃહોમાં દેખાતી ભીડના દ્રશ્યો વાયરલ કરી ચીનમાં ઈમરજન્સી જાહેર કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ચીને જોકે આ અંગે સતાવાર કોઈ જાહેરાત કરી નથી.
ચીનમાં ફેલાયેલા આ વાયરસ નો ભોગ સૌથી વધારે બાળકો બની રહ્યા છે. તેમાં પણ બે વર્ષથી નાની ઉંમરના બાળકો સૌથી વધારે અસરગ્રસ્ત છે. ચીનના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા અનુસાર સંક્રમિત દર્દીઓમાં ફ્લ્યુ અને કોરોના જેવા જ
ઉધરસ, તાવ, નાક બંધ થવું, ગળામાં બળતરા થવી વગેરે જેવા લક્ષણો નજરે પડે છે.
ખાંસી અને છીંકને કારણે આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાવાનો ખતરો છે અને તે બ્રોનકાઇટીઝ અને ન્યુમોનિયા માં પરિવર્તિત થઈ શકે છે. અસ્થમા અને ક્રોનિક એબસ્ટ્રક્ટિવ પલ્મોનરીના દર્દીઓમાં આ વાયરસના સંક્રમણનો ખતરો વધવાની આશંકા દર્શાવવામાં આવી છે. આ વાયરસ આમ તો છ દાયકાથી અસ્તિત્વમાં છે પણ 2011માં શ્વસન રોગથી પીડાતા બાળકના નમૂનામાં પ્રથમ વખત તેની ઓળખ થઈ હતી.
ચીનના સત્તાવાર વર્તુળોના જણાવ્યા અનુસાર આ સંક્રમણ ઉપર નજર રાખવા તેમ જ તેને કાબુમાં રાખવા માટે વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નોંધનીય છે કે ચીનમાં ફલ્યુ અને કોવિડ 19 નું સંક્રમણ પણ વધ્યું છે.18 થી 22 ડિસેમ્બર દરમિયાન શ્વસનતંત્રના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં અચાનક જ મોટો વધારો નોંધાયો હતો.