ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની બેઠક બાદ યુક્રેન-USના સબંધો તળિયે પહોંચ્યા : ટોચના નેતાઓની બેઠક શાબ્દિક સમરાંગણમાં પલટાઈ
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ વચ્ચેની બેઠકે અણધાર્યો વણાંક લીધો હતો.નેતાઓ બાખડી પડતા બે દેશના વડાઓ વચ્ચેની બેઠકમાં ભાગ્યે જ જોવા મળે એવા વરવા દૃશ્યો સર્જાયા હતા અને આંતરરાષ્ટ્રીય મીડિયા આશ્ચર્યચકિત રહીને આ તમાશો જોતું રહ્યું હતું.મીડિયાની સામે જ બન્ને દેશના વડાઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા રહ્યા હતા.એ વાર્તાલાપ દરમિયાન ટ્રમ્પે તેમના પુરોગામી રાષ્ટ્રપતિ જો બાઇડેન બુધ્ધિશાળી વ્યક્તિ ન હોવાનું જણાવતા હવે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે નવો વિવાદ થવાના એંધાણ છે.
મીડિયા સમક્ષ ઉપસ્થિત થયેલા ટ્રમ્પે દોષનો ટોપલો ઝેલેન્સકી પર ઓઢાડતાં કહ્યું,” પીસ ડીલ શક્ય હતી પણ મને ડર છે કે આ રીતે વ્યવહાર કરવાથી બાબતો ખૂબ જ મુશ્કેલ બની જશે,”
ઝેલેન્સકીને ખખડાવતા તેમણે કહ્યું, “લોકો મરી રહ્યા છે, તમારી પાસે સૈનિકો ઓછા થઈ રહ્યા છે, અને પછી તમે અમને કહો છો ‘હું યુદ્ધવિરામ નથી ઇચ્છતો’ અને ‘હું લડતું રહેવા માંગું છું’ – જુઓ… તમારે હવે યુદ્ધવિરામ જાહેર કરવો જોઈએ, જેથી ગોળીઓ ઉડવાનું બંધ થાય અને વધુ જિંદગીઓનો ભોગ ન લેવાય. હું અહીં છું, અને મારે યુદ્ધવિરામ જોઈએ છે, પરંતુ સ્પષ્ટ છે કે તમને યુદ્ધવિરામ નથી જોઈતો,”
ઝેલેન્સકીએ તેનો જવાબ આપતા કહ્યું, “તમારા પુરોગામીઓને પૂછો કે યુદ્ધવિરામ વિશે તેમનું શું કહેવું છે,” જેના પર ટ્રમ્પે તરત જ કહ્યું, “તે એક વ્યક્તિ હતો જેનું નામ બાઇડન હતું, જે બુદ્ધિશાળી વ્યક્તિ નહોતો,” નોંધનીય છે કે ઓવેલ ઓફિસમાં અમેરિકાના કોઈ પ્રમુખે ભૂતપૂર્વ પ્રમુખનું આ રીતે જાહેરમાં અપમાન કર્યું હોય તેવી આ પ્રથમ ઘટના હતી. આ ગરમાગરમી બાદ
ટીમ ઝેલેન્સ્કીને વ્હાઈટ હાઉસમાંથ ચાલ્યા જવાની સૂચના આપવામાં આવી હતી અને ભોજન સમારંભ પણ રદ કરી દેવાયો હતો
ત્રણ નેતાઓ વચ્ચે થયેલી ગરમાગરમ વાતચીતના મહત્વના અંશો:
ડોનાલ્ડ ટ્રમ્પ (પત્રકારને જવાબમાં):
“હું પુતિન સાથે સંકળાયેલો નથી. હું કોઈની સાથે સંકળાયેલો નથી. હું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે સંકળાયેલો છું. અને તે પણ વિશ્વના ભલા માટે. હું વિશ્વ સાથે જોડાયેલો છું. હું આ મુદ્દાને ખતમ કરવા માગું છું. તમે જુઓ છો કે ઝેલેન્સ્કીને પુતિન માટે કેટલી નફરત છે. તેની સાથે ડીલ કરવી મારા માટે ખૂબ મુશ્કેલ છે. ઝેલેન્સકી ભયંકર નફરત ધરાવે છે” પછી તેમણે ઉમેર્યું,” તમે મને સખત બનતો જોવા માગો છો? હું તમે જોયેલા કોઈપણ માણસ કરતાં વધુ સખત બની શકું છું. પણ તે રીતે ક્યારેય સોદો નહીં થાય. આવું જ ચાલે છે.”
જેડી વેન્સ:
“હું આનો જવાબ આપીશ. જુઓ, ચાર વર્ષ સુધી અમેરિકામાં એક રાષ્ટ્રપતિ હતા જે પ્રેસ કોન્ફરન્સમાં ઉભા રહીને વ્લાદિમીર પુતિન વિશે સખત વાતો કરતા હતા. અને પછી પુતિને યુક્રેન પર આક્રમણ કર્યું અને દેશનો મોટો ભાગ નષ્ટ કરી નાખ્યો. શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ કદાચ રાજદ્વારી વાર્તાલાપમાંથી પસાર થાય છે. અમે જો બાઇડનનો માર્ગ અજમાવ્યો, છાતી ઠોકીને બતાવવાનો કે અમેરિકાના રાષ્ટ્રપતિના શબ્દો તેમની ક્રિયાઓ કરતાં વધુ મહત્વના છે.અમેરિકા રાજદ્વારી માર્ગ પસંદ કરે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ જ કરી રહ્યા છે.”
વોલોદિમિર ઝેલેન્સકી:
“હા, ઠીક છે. તેણે ( પુતિને ) અમારા વિસ્તારો પર કબજો કર્યો. યુક્રેનના મોટા ભાગો. પૂર્વનો ભાગ અને ક્રિમિયા તેણે 2014માં કબજો કર્યા… ઘણાં વર્ષોથી. હું ફક્ત બાઇડેનની વાત નથી કરતો. તે સમયે ઓબામા હતા, પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ, પછી બાઇડન, હવે ફરી ટ્રમ્પ. ભગવાનના આશીર્વાદથી હવે ટ્રમ્પ તેને રોકશે. પણ 2014માં કોઈએ તેને રોક્યો નહીં. તેણે કબજો કર્યો અને લોકોને મારી નાખ્યા.”
- ટ્રમ્પ: “2015.”
- ઝેલેન્સકી: “2014.”
- વેન્સ: “2014 અને 2015.”
- ટ્રમ્પ: “2014. હું ત્યાં નહોતો.”
ઝેલેન્સકી: “પણ 2014થી 2022 સુધી કોઈએ તેને રોક્યો નહીં. તમે જાણો છો કે અમે તેની સાથે વાતચીત કરી, ઘણી વાતચીત. દ્વિપક્ષીય વાતચીત. અને અમે તેની સાથે સમજૂતી કરી. 2019માં નવા રાષ્ટ્રપતિ તરીકે મેં તેની સાથે, મેક્રોન અને મર્કેલ સાથે યુદ્ધવિરામ પર સહી કરી. બધાએ મને કહ્યું કે તે ક્યારેય આગળ નહીં વધે. અમે ગેસ કરાર પર પણ સહી કરી. પણ તે પછી તેણે યુદ્ધવિરામ તોડ્યો. તેણે અમારા લોકોને માર્યા અને કેદીઓની આપ-લે ન કરી. તો જેડી! તમે કઈ રાજદ્વારી માર્ગની વાત કરો છો? તમારો મતલબ શું છે?”
વેન્સ: “હું એવી રાજદ્વારીની વાત કરું છું જે તમારા દેશનો નાશ રોકશે.”
ઝેલેન્સકી: “હા, પણ જો તમે…”
વેન્સ: ” રાષ્ટ્રપતિ, આદર સાથે, મને લાગે છે કે તમે ઓવલ ઓફિસમાં આવીને અમેરિકી મીડિયા સમક્ષ અમારી સાથે લડવાનો પ્રયાસ કરો છો તે અપમાનજનક છે. હમણાં તમે લોકોને જબરજસ્તીથી સૈન્યમાં મોકલી રહ્યા છો કારણ કે તમારી પાસે માનવશક્તિની સમસ્યા છે. તમારે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનવો જોઈએ.”
ઝેલેન્સકી: “શું તમે ક્યારેય યુક્રેનમાં આવ્યા છો અને અમારી સમસ્યાઓ જોઈ છે?”
વેન્સ: “મેં વાર્તાઓ સાંભળી છે અને હું જાણું છું કે તમે લોકોને પ્રચાર માટે લઈ જાઓ છો, શું તમે નકારો છો કે તમારી સેનામાં લોકોને લાવવામાં સમસ્યા છે? અને શું તમને લાગે છે કે જે દેશ તમારા નાશ રોકવાનો પ્રયાસ કરે છેં તેની ઓવલ ઓફિસમાં આવીને તેના વહીવટીતંત્ર પર હુમલો કરવો યોગ્ય છે ?”
ઝેલેન્સકી: “યુદ્ધ દરમિયાન દરેકને સમસ્યાઓ હોય છે, તમને પણ. તમારી પાસે અત્યારે તેના સારા ઉકેલો છે અને હમણાં તમે તે અનુભવતા નથી, પણ ભવિષ્યમાં તમે અનુભવશો.”
ટ્રમ્પ: “તમે એ નથી જાણતા. અમને ન કહો કે અમે શું અનુભવીશું. અમે સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને એ ન કહો કે અમે શું અનુભવીશું.”
ઝેલેન્સકી: “હું તમને નથી કહેતો, હું જવાબ આપું છું…”
વેન્સ: “તમે એ જ કરી રહ્યા છો…”
ટ્રમ્પ (જોરથી): “તમે અમને એ ન કહી શકો કે અમે શું અનુભવીશું. અમે ખૂબ સારું અને મજબૂત અનુભવીશું.”
ઝેલેન્સકી (બોલવાનો પ્રયાસ કરે છે):
#ટ્રમ્પ: “તમે હમણાં સારી સ્થિતિમાં નથી. તમે તમારી જાતને ખરાબ સ્થિતિમાં લઈ ગયા છો. તમારી પાસે હમણાં કોઈ કાર્ડ નથી. તમે લાખો લોકોના જીવન સાથે જુગાર રમી રહ્યા છો, તમે ત્રીજા વિશ્વયુદ્ધ સાથે જુગાર રમી રહ્યા છો અને તમે જે કરી રહ્યા છો તે આ દેશ માટે ખૂબ અપમાનજનક છે.”
વેન્સ: “તમે એક વખત પણ આભાર માન્યો?”
ઝેલેન્સકી: “ઘણી વખત.”
વેન્સ: “ના, આ મીટિંગમાં, આખી મીટિંગમાં? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે જે તમારા દેશને બચાવવાનો પ્રયાસ કરે છે, તેમના માટે કેટલાક આભારના શબ્દો કહો.”
ઝેલેન્સકી: “હા, તમે એવું વિચારો છો કે જો તમે યુદ્ધ વિશે જોરથી બોલશો…”
ટ્રમ્પ: “તે જોરથી નથી બોલતા. તમારો દેશ મોટી મુશ્કેલીમાં છે. ના, ના, તમે ઘણું બોલ્યા. તમારો દેશ મોટી મુશ્કેલીમાં છે.”
ઝેલેન્સકી: “હું જાણું છું, હું જાણું છું.”
ટ્રમ્પ: “તમે આ જીતી રહ્યા નથી. અમારી સાથે રહીને તમને ઠીક થવાની ખૂબ સારી તક છે.”
ઝેલેન્સકી: “અમે યુદ્ધની શરૂઆતથી મજબૂત રહ્યા છીએ, અમે એકલા હતા, અને મેં કહ્યું, આભાર.”
ટ્રમ્પ: “તમે એકલા નહોતા… અમે તમને સૈન્ય સાધનો આપ્યા. તમારા માણસો બહાદુર છે, પણ તેમની પાસે અમારું સૈન્ય હતું. જો અમારા સૈન્ય સાધનો ન હોત, તો આ યુદ્ધ બે અઠવાડિયામાં પૂરું થઈ ગયું હોત.”
ઝેલેન્સકી: “મેં તે પુતિન પાસેથી સાંભળ્યું, ત્રણ દિવસમાં.” ( ટ્રમ્પ પુતિનની ભાષા બોલી રહ્યા હોય તેવો કટાક્ષ)
ટ્રમ્પ : “આવી રીતે વાત ખૂબ મુશ્કેલ થશે.”
વેન્સ : “ફક્ત આભાર કહો.”
ઝેલેન્સકી: “મેં ઘણી વખત કહ્યું.”
વેન્સ: ” જ્યારે તમે ખોટા છે ત્યારે અમેરિકી મીડિયામાં લડવાને બદલે મતભેદો સ્વીકારો અને ચાલો તે મતભેદોને હલ કરીએ. અમે જાણીએ છીએ કે તમે ખોટા છો.”
ટ્રમ્પ: “તમે ત્યાં દટાયેલા છો. તમારા લોકો મરી રહ્યા છે. તમારી પાસે સૈનિકો ઓછા થઈ રહ્યા છે. ના, સાંભળો… અને પછી તમે અમને કહો, ‘હું યુદ્ધવિરામ નથી માગતો. હું યુદ્ધવિરામ નથી માગતો. હું આગળ વધવા માગું છું.”
ટ્રમ્પ: “તમે બિલકુલ આભારી દેખાતા નથી. અને તે સારી વાત નથી. હું સાચું કહું છું, તે સારી વાત નથી.”