રાજકોટમાં 38.8, ભુજમાં 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન : ચોમાસાની વિદાય સાથે જ સૌરાષ્ટ્ર -કચ્છ ધગધગી ઉઠ્યા
રાજકોટ : ઓણસાલ ચોમાસામાં ભરપૂર વરસાદ વરસ્યો હોવાં છતાં ચોમાસાની વિદાય સાથે જ તાપમાનમાં ફરી ગરમાવો આવ્યો છે, મંગળવારે સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું જેમાં ભુજ 39.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું તો રાજકોટમાં પણ મહત્તમ તાપમાનનો પારો 38.8 ડિગ્રીએ પહોંચી જતા ફરી શહેરમાં લોકોને બપોરે એસી ચાલુ કરવા પડયા હતા.
ચાલુ વર્ષે ભાદરવા મહિનામાં પણ મેઘરાજાએ સતત વરસાદ વરસાવતા મહત્તમ તાપમાન સરેરાશ 35 ડિગ્રીની નીચે રહ્યા બાદ ચોમાસાની વિદાય સાથે જ મેઘરાજાનું સ્થાન સૂર્યદેવે લીધું હોય તેમ છેલ્લા ચારેક દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.મંગળવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 39.8 ડિગ્રી રહ્યું હતું, કંડલામાં 39 ડિગ્રી, રાજકોટમાં 38.8 ડિગ્રી, નલિયામાં 38.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, ડીસામાં 38.1 ડિગ્રી, અમદાવાદમાં 37.4 ડિગ્રી, દ્વારકામાં 37.5, ભાવનગરમાં 37.2 અને ગાંધીનગરમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે અસહ્ય ગરમીનો અહેસાસ થતા લોકો અકળાઈ ઉઠ્યા હતા.