ઉધ્ધવ ઠાકરેએ પવન જોઇને દિશા બદલી…વાંચો શું કહ્યું
ભાષણમાં ક્યારેક ભાજપ પર નિશાન શાધ્યું તે ક્યારેક ભાજપે અમને છોડી દીધા એમ કહ્યું…
શિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એક જાહેર સભામાં ભાજપ પર શાબ્દિક પ્રહારો તો કર્યા પરંતુ તેના શબ્દો જાણે વડા પ્રધાન મોદીને મનાવવા માટે નિવેદન આપતા હોય તેવું લાગતું હતું. તેમણે તેમના ભાષણમાં કહ્યું હતું કે તેઓ ક્યારેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દુશ્મન ન હતા અને આજે પણ તેમના દુશ્મન નથી. આ ઉપરાંત તેમણે તેમના ભાષણમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે પીએમ મોદીએ જ શિવસેના સાથે સંબંધો તોડ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન મોદીની મહારાષ્ટ્ર મુલાકાત પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે પીએમ એટલા માટે મહારાષ્ટ્ર આવે છે જેથી કંઈને કંઈ અહીંથી ગુજરાતમાં લઈ જઈ શકાય.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું મોદીજીને કહેવા માંગુ છું કે અમે એટલે કે શિવસેના હંમેશા તમારી સાથે હતી. અમે અગાઉ પણ ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો. અને તમે વડા પ્રધાન એટલે જ બન્યા કારણ કે વિનાયક રાઉત જેવા અમારા સાંસદો ચૂંટાયા હતા જેને ફક્ત તમારા માટે જ કામ કર્યું. પણ પછીથી તમે તમારી જાતને અમારાથી દૂર કરી દીધી. અમારો હિન્દુત્વનો ભગવો ઝંડો આજે પણ એમજ છે. પરંતુ આજે ભાજપ એ ભગવા ઝંડાને ફાડવાની કોશિશ કરી રહ્યું છે.
નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરે અત્યારે કોંકણના પ્રવાસ પર છે અને હાલમાં તેઓ લોકસભાના મતવિસ્તારોમાં જાહેર સભાઓ કરી રહ્યા છે. શિવસેનાના પ્રમુખે એમ પણ કહ્યું હતું કે અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણીઓ આવી તે બધામાં 2024ની સામાન્ય ચૂંટણી ખૂબજ મહત્વની છે.
આવનારી ચૂંટણીઓ માટે તેમને તમામ કાર્યકરોને એકજુટ રહેવાની અપીલ કરી હતી. અને કહ્યું હતું કે બીજા બધા લોકોને પોતાની પાર્ટીમાં લાવવાની પ્રક્રિયામાં બીજેપીએ પોતાની ઓળખ ગુમાવી દીધી છે અને તેમની પાર્ટી જ્યાં પહેલા હતી આજે પણ ત્યાં જ છે. આજે મુસ્લિમો અમારી સાથે આવી રહ્યા છે કારણ કે તેઓ સમજી ગયા છે કે અમારું હિન્દુત્વ બે ધર્મો વચ્ચે આગ ભડકાવવાનું નથી. અમારું હિન્દુત્વ બધાને એકસાથે રાખવાનું છે જ્યારે ભાજપું હિન્દુત્વ આગ સળગાવવાનું છે.