આજે એશિયા કપમાં ભારત સામે UAEની અગ્નિપરીક્ષા : કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે મેચ?
એશિયા કપ-2025નો ધમાકેદાર પ્રારંભ થયા બાદ આજે ભારત પોતાના અભિયાનનો પ્રારંભકરશે. ટીમ ઈન્ડિયાએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર યજમાન યૂએઈ સામે ટક્કર લેશે. આમ તો કાગળ ઉપર યૂએઈ કરતા ભારતનું પલડું અનેકગણું ભારે લાગી રહ્યું છે આમ છતાં યજમાન હોવાના નાતે યૂએઈ ભારત સામે પૂરેપૂરી લડત આપે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. આ મેચ રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે.

ભારતીય ટીમ વતી અભિષેક શર્મા સાથે શુભમન ગીલનું ઓપનિંગમાં ઉતરવું નક્કી માનવામાં આવી રહ્યું છે. ત્રીજા નંબરે તિલક વર્મા અને ચોથા નંબરે સૂર્યકુમાર યાદવ આવી શકે છે. જ્યારે પાંચમા ક્રમે વિકેટકિપર જીતેશ શર્મા તો છઠ્ઠા ક્રમે ઑલરાઉન્ડર હાર્દિક પંડયા બેટિંગ કરે તેવી શક્યતા છે. આ પછી સાતમા ક્રમે અક્ષર પટેલ, આઠમા ક્રમે શિવમ દૂબેને તક મળે તેવી સંભાવના છે. આ સાથે જ એક સ્પિનર વરુણ ચક્રવર્તી અને બે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ સાથે ટીમ મેદાને ઉતરી શકે છે. આમ સંજુ સેમસનનું પત્તું કપાઈ શકે છે તો કુલદીપ યાદવે ફરી બેન્ચ ઉપર જ બેસવું પડે તેવી શક્યતા છે અને રિન્કુ સિંહે પણ હજુ રાહ જોવી પડી શકે છે.

યૂએઈની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો ત્રિકોણિય શ્રેણીમાં વારંવાર ફેરફાર છતાં પણ મોહમ્મદ વસીમની આગેવાનીવાળી ટીમ એકેય મેચ જીતી શકી ન્હોતી. તેણે પહેલી ત્રણ મેચ 31 રન, 38 રન અને 31 રને ગુમાવી હતી. જો કે ચોથી મેચમાં તે અફઘાન સામે માત્ર 4 રને હાર્યું. આવામાં ત્રિકોણિય શ્રેણીમાં જે પ્લેઇંગ ઈલેવન હતી તેના સાથે જ ટીમ ઉતરી શકે છે.

એશિયા કપમાં ચેમ્પિયન ટીમને 2.60 કરોડ, રનર્સ અપને મળશે 1.30 કરોડ
દુબઇઃ એશિયા કપનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને 28 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો રમાશે. આ વખતે પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ વખત ટક્કર થઈ શકે છે. બીજી બાજુ એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી) દ્વારા ચેમ્પિયન ટીમ માટે ઈનામની રકમ પણ વધારી દેવામાં આવી છે. આ વર્ષે ચેમ્પિયન ટીમને 2.60 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. જ્યારે રનર્સ અપ ટીમને 1.30 કરોડ રૂપિયા ઈનામ અપાશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે.આ ટૂર્નામેન્ટમાં આઠ ટીમ ટ્રોફી જીતવા માટે મહેનત કરશે જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં યૂએઈ, ઓમાન, હોંગકોંગને એસીસી પ્રીમિયર કપ થકી એન્ટ્રી મળી હતી. એશિયા કપનું વર્તમાન ચેમ્પિયન ભારત છે જેણે એશિયા કપને અત્યાર સુધી આઠ વખત જીત્યો છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારત આ વખતે પણ તાકાત બતાવવા માટે મહેનત કરશે.
એશિયા કપનું પ્રસારણ સોની લીવ-સોની સ્પોર્ટ્સ પર થશે
આ વખતે ક્રિકેટપ્રેમીઓને એશિયા કપનું લાઈવ પ્રસારણ જિયો હોટસ્ટાર ઉપર જોવા નહીં મળે. આ ટૂર્નામેન્ટનું પ્રસારણ હવે સોની લીવ ઉપર થશે. સોની ઈન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સીલ પાસેથી 2024 થી 2031 સુધીની તમામ ટૂર્નામેન્ટના પ્રસારણના રાઇટ્સ 170 મિલિયન ડોલરમાં ખરીદ કર્યા હતા જેમાં પુરુષ અને મહિલાઓનો એશિયા કપ, અન્ડર-19 અને ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપ્સના મુકાબલા પણ સામેલ છે. જ્યારે ટીવી પર મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની જગ્યાએ સોની સ્પોર્ટસ નેટવર્ક ઉપર થશે.
