વન અર્થ અને વન ફ્યુચર થી ઉપર બે સત્ર યોજાયા
રાષ્ટ્રપતિ ના રાત્રી ભોજમાં 170 મહેમાનો ઉપસ્થિત
આજે સમાપન, અધ્યક્ષતા બ્રાઝિલને સોંપાશે
બે દિવસિય g20 શિખર સંમેલનના પ્રથમ દિવસે સવારે 9:30 વાગ્યાથી જ વિદેશના નેતાઓનું ભારતમંડપમમાં આગમન શરૂ થઈ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે દરેક મહેમાનને આવકાર્યા હતા અને ત્યારબાદ ગ્રુપ ફોટો સેશન થયું હતું.
વડાપ્રધાન મોદીએ પ્રારંભિક ઉદબોધન કર્યા બાદ સમિટ હોલ ખાતે બંધ બારણે વન અર્થ થીમ ઉપર પ્રથમ સત્ર યોજાયું હતું જેમાં જળવાયુ પરિવર્તન, વૈકલ્પિક ઉર્જા, વિકસિત અને ગરીબ દેશોને ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે જરૂરી આર્થિક અને તકનીકી મદદ,કુદરતી દુર્ઘટનાઓ નો વૈશ્વિક સામનો, ફૂડ સિક્યુરિટી વગેરે જેવા મુદ્દાઓ ચર્ચાયા હતા.
લંચ બાદ બીજા સત્રમાં વન ફેમિલી થીમ ઉપર ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે g20 ના આ આયોજનમાં ભારતે વસુધૈવકુટુંબકમ ના સિદ્ધાંતને અગ્રસ્થાને રાખ્યો છે. એ સત્રમાં વિકસતા અને ગરીબ દેશોની સમસ્યા, આર્થિક અસમાનતા તેમજ વૈશ્વિક એકતા ના મહત્વ જેવા મુદ્દાઓ ચર્ચામાં આવ્યા હતા.
સાંજે 7:00 વાગ્યે રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિ ભોજમાં 170 આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે રવિવારે સંમેલનના આખરી દિવસે તમામ દેશના નેતાઓ રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ સાઉથ પ્લાઝા ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ પૂર્ણ થયે સવારે 10:30 વાગ્યે વન ફ્યુચર વિષય પર ત્રીજું અને આખરી સત્ર યોજાશે. સત્રના સમાપન પ્રસંગે દિલ્હી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન મોદીના હસ્તે જી-20 ની આવતા વર્ષની અધ્યક્ષતા બ્રાઝિલને સુપ્રત કરવામાં આવશે. સંમેલન સમાપ્ત થયા બાદ વિવિધ દેશોના વડાઓ વચ્ચે દ્વિપક્ષી મુલાકાતો યોજાશે.