રાજકોટમાં નાણાં મંત્રાલયના અધિકારી સહિત બે 45,000ની લાંચ લેતાં પકડાયા: ગીરનાર ટોકીઝ નજીક બજરંગ ઈમિટેશન નામની દુકાન પાસે ACBનો દરોડો
રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ગીરનાર ટોકીઝ સામે આવેલી બજરંગ ઈમિટેશન નામની દુકાન પાસે છટકું ગોઠવી કેન્દ્ર સરકારના નાણાં વિભાગની ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર તેમજ આવકવેરા વિભાગમાં પટાવાળા તરીકે નોકરી કરતા બે લોકોને 45000ની લાંચ લેવા બદલ પકડી પાડ્યા હતા. લાંચના આ કાંડમાં આવકવેરા વિભાગના નિવૃત્ત ઈન્સ્પેક્ટરની પણ સંડોવણી ખુલતાં તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા હતા. આ ત્રણેયે મળી ફરિયાદીનું એરિયર્સ બિલ મંજૂર કરવાના બદલામાં લાંચ માંગી હતી.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આ કેસના ફરિયાદીનું ચાર લાખ રૂપિયાનું એરિયસ બિલ બાકી હતું જે મંજૂર કરવા માટે મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સની ઝોનલ એકાઉન્ટ ઓફિસમાં આસ્ટિન્ટ એકાઉન્ટ ઓફિસર તરીકે નોકરી કરતા રવિકુમાર સુરેશકુમાર જાંગીડ (ઉ.વ.38)એ બિલના 20% લેખે 80 હજાર રૂપિયાની લાંચની માંગ કરી હતી. આ પછી ફરિયાદી અને રવિકુમાર વચ્ચે રકઝકના અંતે 50 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અગાઉ રવિકુમારે ફરિયાદી પાસેથી પાંચ હજાર લઈ લીધા હતા અને બાકીના 45 હજાર રૂપિયા 29 જાન્યુઆરીએ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે ત્યારે લેવડ-દેવડ થઈ ન્હોતી.
આ પણ વાંચો :ચાંદીના સટ્ટામાં આસમાની સુલતાની: એક જ દિવસમાં રાજકોટના રોકાણકારોનાં રૂપિયા 50 કરોડથી વધુ સ્વાહા!
આ પછી શુક્રવારે રવિકુમાર જાંગીડે લાંચના પૈસા લેવાનો હવાલો ભૂજ એસપી ઓફિસની બાજુમાં આવેલી જુલેલાલ સોસાયટીમાં રહેતા અને આવકવેરા વિભાગના ઈન્સપેક્ટર તરીકે નિવૃત્ત થયેલા શૈલેષ કે.ચૌહાણને હવાલો આપ્યો હતો. ત્યારબાદ શૈલેષ ચૌહાણે લાંચના પૈસા લેવા માટે આવકવેરા ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર પટાવાળા તરીકે નોકરી કરતા અક્ષય શૈલેષભાઈ વાગડિયાને મોકલ્યો હતો. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેણે એસીબીનો સંપર્ક કરતાં જ છટકુ ગોઠવી પટાવાળા અક્ષય વાગડિયાને પકડી લેવાયો હતો અને ત્યારબાદ રવિ જાંગીડની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ગુરૂવારે જ લાંચ લેવાનું નક્કી કરાયું’તું પણ રવિ જાંગીડને ટ્રેપની ગંધ આવી ગઈ’તી !
રાજકોટ એસીબીના પીઆઈ આર.આર.સોલંકીએ જણાવ્યું કે રવિ જાંગીડે ફરિયાદી પાસેથી જ્યારે લાંચની રકમ નક્કી થઈ ત્યારે જ પાંચ હજાર એડવાન્સ લઈ લીધા હતા અને બાકીના 45 હજાર 29 જાન્યુઆરી એટલે કે ગુરૂવારે લેવાનું નક્કી કર્યું હતું. આ સમયે પણ એસીબીએ છટકું ગોઠવ્યું હતું પરંતુ તેની ગંદ રવિ જાંગીડને આવી જતાં તેણે પૈસા લેવાનું ટાળ્યું હતું. પોતે રંગેહાથ પકડાઈ ન જાય તે માટે તેણે નિવૃત્ત આવકવેરા ઓફિસર શૈલેષ ચૌહાણનો સંપર્ક કરી હવાલો આપ્યો હતો. ત્યારપછી શૈલેષે પટાવાળા અક્ષય વાગડિયાને કામ સોંપી ફરિયાદીનો સંપર્ક કરીને લાંચના પૈસા લેવા માટેનું કામ સોંપ્યું હતું.
રવિ જાંગીડ દસ વર્ષથી એક જ જગ્યાએ ચીપકેલોઃ શૈલેષ ચૌહાણ સાથે ઘણા સમયથી સંબંધ
એવી વિગત પણ જાણવા મળી હતી કે મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સની ઝોનલ એકાઉન્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર (વર્ગ-2) તરીકે રવિકુમાર જાંગીડ છેલ્લા દસેક વર્ષથી નોકરી કરે છે. અહીં આ ઓફિસમાં આવકવેરા વિભાગને લગતા બિલની અવર-જવર થતી હોવાને કારણે તેના એ સમયે આવકવેરા ઈન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા શૈલેષ ચૌહાણ સાથે સંપર્ક થયા બાદ આ સંપર્ક દિવસેને દિવસે ઘેરો બનતો ગયો હતો. આ બન્નેએ મળીને અત્યાર સુધીમાં અનેક લોકો પાસેથી લાંચ લીધી હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. જ્યારે પટાવાળા અક્ષય વાગડિયા કે જે ગીરનાર ટોકીઝ પાસે આવકવેરા ઓફિસમાં કરાર આધારિત નોકરી કરે છે.
