ઇન્ડિયન બેન્કમાંથી બે આસિસ્ટન્ટ મેનેજર રૂ.54.29 લાખનું સોનુ ઓળવી ગયા! પરપ્રાંતિય અધિકારીઓનું કારસ્તાન
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં.1માં સમૃદ્ધિ ભવનની સામે આવેલી ઈન્ડિયન બેન્કમાંથી એક મહિલા અને એક પુરુષ એમ બે આસિસ્ટન્ટ મેનેજર 54.29 લાખનું સોનુ ઓળવી ગયાની ફરિયાદ નોંધાતાં બેન્કીંગ ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ અંગે બેન્કના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ઘનશ્યામકુમાર વિનોદાનંદ ઝા (ઉ.વ.48)એ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમને ત્યાં શ્રુતિ દિવાકર શખારે (રહે.મનહર પ્લોટ શેરી નં.11/15ના ખૂણે લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.201) અને વિષ્ણુ નારાયણ વાસુદેવ ઈલાયથ (રહે.ઉલ્લાસનગર-મુંબઈ) આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આ પૈકી વિષ્ણુ નારાયણની બદલી ચેન્નાઈ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :રાજકોટના ‘વર્કઆઉટ વોરિયર્સ’, ભરે છે હેલ્ધી રહેવાનો જોશ! ઓબેસીટી દૂર કરી, ન ચાલતાં સભ્યો પણ 42 કિમી દોડી આવ્યા
દરમિયાન 18 જાન્યુઆરીએ બેન્કમાં ઝોનલ ઓફિસ ખાતેથી પંકજ મીણા આવ્યા હતા અને બેન્કનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ તમામ ડોક્યુમેન્ટ અને રોકડ તેમજ સોનુ બરાબર હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ત્યારપછી 17 એપ્રિલે ફરી ઈન્સ્પેક્શન આવ્યું જે કાર્યવાહી દરમિયાન ગરબડ થયાનું ખુલતાં શ્રુતિ સખારે અને વિષ્ણુ એલાયથની પૂછપરછ કરવામાં આવી હતી. એ સમયે શ્રુતિએ કહ્યું હતું કે મારી ચાવી કોઈએ લીધી હશે તેની મને ખબર નથી. બાદમાં શ્રુતિ 31 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી રજા ઉપર ચાલ્યા ગયા હતા અને ચાર્જ તેમજ ચાવી વિષ્ણુને આપી ગયા હતા. વિષ્ણુની પૂછપરછ કરતા તેણે પણ સોનુ ગાયબ થઈ ગયા અંગે પોતાને કશી ખબર ન હોવાનો જવાબ આપ્યો હતો. એકંદરે આ બન્ને દ્વારા જ સત્તાની રૂએ પોતાને મળેલી ચાવીનો ઉપયોગ કરી લોકર ખોલી નાખવામાં આવ્યું હતું અને તેમાંથી સોનાના બે પાર્સલ લઈ લેવામાં આવ્યાનું ખુલતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
જે ઘરેણા ગાયબ થયા છે તે સંગીતાબેન શ્યામભાઈ શાહ અને શ્યામભાઈ મધુભાઈ શાહે ગીરવે મુકી 43.16 લાખ રૂપિયાની લોન લીધી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આ ઘરેણાની બજાર કિંમત 64.29 લાખ આંકવામાં આવી છે.
18 જાન્યુ.એ બેન્કમાં સોનાના 47 પાઉચ હતા, 17 એપ્રિલે 45 થઈ ગયા!
પોલીસ ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 18 જાન્યુઆરીએ બેન્કમાં કરાયેલા ઈન્સપેક્શન સમયે ગ્રાહકોએ ગીરવે મુકેલા સોનાના દાગીના ભરેલા 47 પાઉચ મળ્યા હતા. આ પાઉચની રજિસ્ટર સાથે મેળવણી કરવામાં આવતા તે ઠીક હોવાનું સામે આવ્યું હતું. ત્યારપછી 17 એપ્રિલે કરાયેલા ઈન્સ્પેક્શનમાં 47ની જગ્યાએ 45 પાઉચ જ મળી આવતાં ચોરી થયાનું સામે આવ્યું હતું.
