તુર્કી હવે ભારતને આપશે S-400 ડિફેન્સ સિસ્ટમ : પાકને ઝટકો,રશિયન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અપગ્રેડ થશે
શું પાકિસ્તાનને કાશ્મીર સહિત દરેક મુદ્દે સમર્થન આપતું તૂર્કિયે હવે દગાબાજી પર ઉતરી આવ્યુ છે? તુર્કીને રશિયા પાસેથી મળેલી S-400 મિસાઈલ સિસ્ટમ હવે ભારતને આપશે. વાસ્તવમાં આ વાત તૂર્કિયેના એક મીડિયા રિપોર્ટથી નીકળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયાએ 2019માં તૂર્કિયેને આપેલી જમીનથી હવામાં પ્રહાર કરતી એસ-400 મિસાઈલ સિસ્ટમ પાછી ખરીદવાની ઓફર કરી છે. રશિયાએ તેને ભારત સહિત અન્ય દેશોને વેચવાની ઓફર કરી હોવાના અહેવાલ છે. એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.
તૂર્કિયે કથિત રીતે ફાઈટર જેટ, ડ્રોન અને મિસાઇલોને શોધી કાઢવા, તેને ટ્રેક કરવા અને નષ્ટ કરવામાં સક્ષમ લાંબા અંતરની સિસ્ટમને લઈને અમેરિકા સાથે પોતાના વિવાદનો અંત આણવા માંગે છે. આ સિસ્ટમનું સ્થાન લેવા માટે તૂર્કિયે ખુદ એક ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. આવી સ્થિતિમાં તે રશિયન ડિફેન્સ સિસ્ટમ પોતાની પાસે રાખીને અમેરિકાને નારાજ કરવા નથી માગતું.
બીજી તરફ અહેવાલમાં કેટલાક ભારતીય મીડિયાના હવાલે એ સૂચવ્યું હતું કે, આ સોદાના પરિણામે ભારતને પોતાની ડિફેન્સ સિસ્ટમ મળી શકે છે, જેને રશિયા પહેલા અપગ્રેડ કરશે. ત્યારબાદ જ ચીન અને પાકિસ્તાન જેવા ખતરાનો સામનો કરવા માટે તહેનાત કરવામાં આવશે.
જોકે, રશિયા કે તૂર્કિયે બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અહેવાલની પુષ્ટિ કરી નથી. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે રશિયા યુક્રેન યુદ્ધ મોરચા પરથી નિકાસ માટે કોઈપણ સિસ્ટમ છોડી શકશે નહીં. તૂર્કિયેએ હવે ઘણી હદ સુધી અમેરિકા સાથે સોદો કરી લીધો છે અને હવે તેને આ સિસ્ટમોની જરૂર નથી, જ્યારે ભારત શક્ય તેટલી વહેલી તકે આવી વધુ સિસ્ટમો મેળવવા આતુર છે.
