ટ્રમ્પના ટ્રેડ વોરે સમગ્ર વિશ્વને હચમચાવ્યું : યુરોપિયન યુનિયનના દેશો અને યુકેઉપર પણ લટકતી ટેરિફની તલવાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કેનેડા અને મેક્સિકો ઉપર 25 ટકા તેમજ ચીન ઉપર 10 ટકા ટેરિફ લાદતાં શરૂ થયેલા ટ્રેડ વોરે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ખાસ કરીને નોર્થ અમેરિકામાં ગભરાટ,ગુસ્સો અને અનિશ્ચિતતા નો માહોલ પ્રસર્યો છે. એક તરફ એ રાષ્ટ્રો એ પણ વળતો ટેરીફ લાદવાની રણનીતિ અપનાવતા વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડવાની ભીતિ છે તેની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનના દેશો અને યુકે ઉપર પણ ટેરિફ લાદવાનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે યુરોપિયન યુનિયન ઉપર પણ ટેરિફ લાદવામાં આવશે અને યુકે સામે પણ ચોક્કસપણે એ પગલા લેવામાં આવશે. જોકે તેમણે કેટલા ટકા ટેરિફ લગાવવામાં આવશે અથવા તો તેનું સ્વરૂપ કેવું હશે તે અંગે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.ટ્રમ્પના આ નિવેદનને પગલે અમેરિકાના પરંપરાગત સાથી એવા પશ્ચિમના એ દેશો અને અમેરિકા વચ્ચે સંબંધો કથળવાની ભીતિ સર્જાઈ છે.
ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો તેમજ ચીન ઉપર ટરિફ ઝીંકવાના પોતાના પગલાને ઉચિત ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગેરકાયદે વસાહતીઓ દ્વારા ઊભા થયેલા જોખમ તેમજ ફેનાટિલ સહિતના ડ્રગ કારોબાર ઉપર કાબુ લેવા માટે આ જરૂરી હતું. ટેરિફ લાદવાનું ટ્રમ્પનું આ પગલું આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિયમોના ભંગ સમાન હોવાના આક્ષેપને રદિયો આપતા તેમણે કહ્યું કે આ ટેરીફ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર એક્ટ હેઠળ લાદવામાં આવ્યા છે.
અમેરિકાને મુશ્કેલી પડશે પણ કેનેડા તો સાફ થઇ જશે: ટ્રમ્પની અગમવાણી
અમેરિકા સાથે સૌથી વધારે વ્યાપારિક સંબંધો ધરાવતા ત્રણ દેશો ઉપર જ ટેરિફ ઝીંકવાને કારણે અમેરિકન નાગરિકોને પણ સહન કરવું પડશે તે હકીકતનો ટ્રમ્પે સ્વીકાર કર્યો હતો. તેમણે જો કે કહ્યું કે આપણે જે કિંમત ચૂકવશું તે સાર્થક બની રહેશે. આપણે ફરી વાર અમેરિકા અને મહાન બનાવીશું. તેમણે કહ્યું કે આપણને મુશ્કેલી પડશે પરંતુ કેનેડા તો પોતાનું અસ્તિત્વ પણ નહીં બચાવી શકે.
સાઉથ આફ્રિકાને પણ ઝાટકો
અમેરિકાએ સાઉથ આફ્રિકાને અપાતી સહાય તાત્કાલિક ધોરણેથી બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. સાઉથ આફ્રિકાના પ્રમુખ સીરીલ રામફોસાએ જમીન સંપાદન કરવાના ‘ એક્સપ્રોપ્રિપેશન એક્ટ ‘ને કાયદાનું સ્વરૂપ આપતા બિલ પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. એ કાનુન હેઠળ સાઉથ આફ્રિકામાં સરકારને વળતર આપ્યા વગર જ જમીન જપ્ત કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ટ્રમ્પેએ કાયદાના વિરોધમાં તેમજ ‘ચોક્કસ વર્ગને અપાતી ટ્રીટમેન્ટ ‘ બદલ અમેરિકી સહાય બંધ કરી દેવાઇ હોવાનો ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2023 માં અમેરિકા દ્વારા સાઉથ આફ્રિકાને 440 મિલિયન ડોલરની સહાય આપવામાં આવી હતી.