ટ્રમ્પના આ નિર્ણયથી શેરબજારમાં આવી તેજી : સેન્સેક્સ 1400થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23700ને પાર ; રોકાણકારો ધૂમ કમાયા
કેનેડા અને મેક્સિકો ઉપર આકરા ટેરીફ લાગુ કરવાનો પોતાનો નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કામચલાઉ રીતે સ્થગિત કરતા શેરબજારમાં જીવમાં જીવ આવ્યો હતો અને તેજીનો પવન ફૂંકાયો હતો. આજે ઇન્ટ્રા ડે ૧૪૭૧ પોઈન્ટની તેજી સાથે સેન્સેક્સ ૧૩૯૭ પોઇન્ટનાં ઉછાળા સાથે બંધ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી ૩૭૮ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. બેન્કિંગ, પીએસયુ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટના શેરોમાં તેજીના પગલે પગલે રોકાણકારો ધૂમ કમાયા હતા અને તેમની મૂડીમાં ૫.૬૨ લાખ કરોડનો વધારો થયો હતો.
આજે બેન્કિંગ સેક્ટરના મોટાભાગના શેરો ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી બેન્ક, કેનેરા બેન્ક, કોટક બેન્ક, એસબીઆઈ, એક્સિસ બેન્ક, ફેડરલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, યસ બેન્કના શેર 0.25 ટકાથી 3.50 ટકા સુધી સુધર્યા હતા.સરકારી કંપનીઓના શેરોમાં પણ તેજી નોંધાઈ હતી.
આરબીઆઈ આ સપ્તાહે યોજનારી મોનેટરી પોલિસીમાં વ્યાજના દર 25 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે તેવી અપેક્ષાઓ છે. જેના પગલે બેન્કિંગ શેરો તેજીમાં આવ્યા હતાં. વધુમાં બજેટમાં મધ્યમવર્ગ માટે મોટી રાહત આપતાં ટેક્સમાં ઘટાડો અને અન્ય પ્રોત્સાહક જાહેરાતોની બજાર પર અસર થઈ છે