યુએસ ચૂંટણીમાં ટ્રમ્પનો મોટો ફેરફાર નાગરિકત્વ સાબિત કરવું ફરજિયાત
અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં મોટા ફેરફારો સૂચવતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 25 માર્ચ, 2025ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.તે અંતર્ગત મતદારોને પોતાની અમેરિકી નાગરિકતા સાબિત કરવા માટે પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનું ફરજિયાત બનાવાયું છે.એ સાથે જ ચૂંટણીઓમાં બિન અમેરિકી નાગરિકોને દાન આપવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે મતદાનના દિવસ સુધીમાં મળેલા મેલ અથવા એબ્સેન્ટી બેલેટની જ ગણતરી કરવામાં આવશે. ટ્રમ્પે અમેરિકાની વર્તમાન ચૂંટણી પ્રક્રિયાની અનેક ખામીઓ દર્શાવી અને ભારત સહિત અન્ય કેટલાક દેશોની વ્યવસ્થાને આદર્શ ગણાવી હતી.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકી નાગરિકોના મતો યોગ્ય રીતે ગણાય અને તેમાં ગેરકાયદેસર ફેરફાર ન થાય, તે ચૂંટણીના સાચા વિજેતાને નિર્ધારિત કરવા માટે જરૂરી છે. આ ફેરફારનો હેતુ માત્ર કાયદેસર મતદારો જ મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વાસ વધારવાનો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ટ્રમ્પે આ ઓર્ડરમાં ભારત સહિત અન્ય દેશોની ચૂંટણી પ્રક્રિયાઓના ઉદાહરણ આપી ભારતની બાયોમેટ્રિક આધારિત મતદાર ઓળખ સિસ્ટમને અદ્યતન અને સુરક્ષિત ગણાવી હતી.તેમણે ઉમેર્યું કે ડેન્માર્ક અને સ્વીડન જેવા દેશો મેલ-ઇન વોટિંગને મર્યાદિત કરે છે અને માત્ર ચૂંટણીના દિવસે પ્રાપ્ત મતો જ ગણે છે. આ દેશો આધુનિક અને વિકાસશીલ રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલી મૂળભૂત સુરક્ષા પદ્ધતિઓ નું પાલન કરે છે અને અમેરિકામાં પણ તે અપનાવવાની જરૂર હોવાનું તેમણે વહીવટી આદેશમાં જણાવ્યું હતું.
આ ફેરફારો અમલમાં આવે તો હાલના મતદારો પર તેની સીધી અસર નહીં પડે, પરંતુ નવી નોંધણી માટે નાગરિકત્વના પુરાવાની જરૂર પડશે. જો કોઈ મતદાર આ પુરાવો રજૂ ન કરી શકે, તો તેમની નોંધણી રદ થઈ શકે છે. આ ફેરફારો અમેરિકી ચૂંટણી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવવાના દાવા સાથે રજૂ કરાયા છે, પરંતુ તેના અમલીકરણ અને અસરને લઈને ચર્ચા ચાલુ છે.
ટ્રમ્પે વર્તમાન પ્રક્રિયાની અનેક ખામીઓ વર્ણવી
મેલ-ઇન વોટિંગનો વ્યાપક ઉપયોગ, જેમાં પોસ્ટમાર્ક વિનાના અથવા ચૂંટણી પછી પ્રાપ્ત થતા મતો પણ સ્વીકારાય છે.
નાગરિકત્વની ચકાસણી માટે કડક નિયમોનો અભાવ, જેના કારણે ગેરકાયદેસર મતદાનની શક્યતા.
બિન-નાગરિકો દ્વારા ચૂંટણીમાં નાણાકીય હસ્તક્ષેપ, જે અમેરિકી લોકશાહીને નબળી પાડે છે.