ટ્રમ્પ ટેરિફ વોર : ભારતની 63 અબજ ડોલરની નિકાસ પર મોટું જોખમ, ટેક્સટાઇલ ક્ષેત્રને સૌથી મોટો ફટકો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયા સાથે સાંઠગાંઠનો આરોપ લગાવીને નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરતાં ભારતના અમેરિકા સાથેના વેપાર પર ગંભીર અસર થવાની શક્યતા છે. આ નવા ઓર્ડર હેઠળ ભારતીય માલ પર વધારાનો 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી ભારતીય નિકાસ પરનો સરેરાશ ટેક્સ હવે 50 ટકા સુધી પહોંચી ગયો છે. આ નિર્ણયથી ભારતની 91 બિલિયન ડોલરની અમેરિકાની નિકાસમાંથી લગભગ 60 ટકા, એટલે કે 63.5 બિલિયન ડોલરનો વેપાર જોખમમાં મૂકાયો છે. નોંધનીય છે કે ભારત હવે બ્રાઝિલ સાથે વિશ્વના સૌથી વધુ ટેરિફ ભારવાળા દેશોમાંનો એક બની ગયો છે.
આ પણ વાંચો : તુલસીએ TRPમાં મારી બાજી : ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ આવતાની સાથે જ પહોંચી ટોચ પર, જાણો ‘અનુપમા’નો TRP ક્યા નંબર પર?
જોકે, અમેરિકાએ સ્ટીલ, એલ્યુમિનિયમ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઇલ જેવા મુખ્ય ક્ષેત્રોને આ ટેરિફમાંથી મુક્તિ આપી છે. છતાં, ટેક્સટાઇલ જેવા મહત્ત્વના ક્ષેત્રોને આ નિર્ણયથી મોટો ફટકો પડવાની શક્યતા છે. ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ બાંગ્લાદેશ, પાકિસ્તાન, વિયેતનામ અને ફિલિપાઇન્સ જેવા દેશો સાથે સીધી સ્પર્ધામાં છે. એ દેશોને ભારત કરતાં સરેરાશ 19-20 ટકાના ઓછા ટેરિફ દર લાગુ થયા છે. આ પરિબળને કારણે ભારતની એપેરલ, હોમ ફર્નિશિંગ અને અન્ય શ્રમ-કેન્દ્રિત ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા પર નકારાત્મક અસર પડી શકે છે.
આ પણ વાંચો : ઉતરકાશીમાં તબાહી બાદ સેના રાત દિવસ કામે લાગી : ગુજરાતનાં 131 સહિત 274 પ્રવાસીઓને બચાવાયા, 40 મજૂરો-8 જવાનો લાપતા
બીજી તરફ ભારત હજુ પણ સિન્થેટિક ડાયમંડ અને જીરું જેવા કેટલાક ક્ષેત્રો કે જ્યાં તે અમેરિકાની આયાતમાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, તેના લગભગ 10 ટકા વેપારને જાળવી રાખવાની આશા રાખે છે. પરંતુ બાકીની નિકાસ વધુ સ્પર્ધાનો સામનો કરી શકે છે.
આ ટેરિફ વધારો માત્ર ભારતના મર્ચેન્ડાઇઝ નિકાસ માટે જ નહીં, પરંતુ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સંબંધો અને ભારતની ભૌગોલિક-રાજકીય સ્થિતિ તેમજ વેપારી જોડાણો પર પણ વ્યાપક અસર કરી શકે છે. આ નિર્ણયથી ભારતના વેપારી હિતોને નુકસાન થવાની સાથે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો પર પણ સવાલો ઉભા થયા છે.
