અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ માટે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે યુક્રેન 2022 માં યુદ્ધ શરૂ થયું તે પહેલા જ ડીલ કરી લેવાની જરૂર હતી.
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અમેરિકા અને રશિયાના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ નિયુક્ત કરવાની સહમતિ સધાઈ હતી. જોકે એ બેઠકમાં યુક્રેનને સામેલ કરવામાં ન આવતા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ત્યાં થયેલી વાટાઘાટોને માનવાનો ઇનકાર કરી દીધો હતો.
ઝેલેન્સ્કીના એ વિરોધનો ઉલ્લેખ કરી ટ્રમ્પે કહ્યું,” તમે ત્રણ વર્ષથી ત્યાં છો. તમારે તો ત્રણ વર્ષ પહેલા જ પૂરું કરવું જોઈતું હતું. તમારે ક્યારેય યુદ્ધ શરૂ જ કરવાની જ જરૂર નહોતી. તમે યુદ્ધ શરૂ થયું તે પહેલા જ સોદો કરી શક્યા હોત.” તેમણે ઉમેર્યું કે જો તેઓ પ્રમુખ હોત તો આ યુદ્ધ શરૂ જ ન થયું હોત.

બાદમાં તેમણે કહ્યું,” રશિયા કંઈક કરવા માંગે છે. રશિયા ત્યાં ચાલી રહેલી બર્બરતાનો અંત લાવવા માંગે છે. દરરોજ હજારો સૈનિકો મરે છે. રશિયા અને યુક્રેનના સૈનિકો ઉપરાંત કોરિયનો પણ માર્યા ગયા છે.
અમે હવે તેનો અંત લાવીશું”. ટ્રમ્પે આ મહિનાના અંત સુધીમાં તેઓ પુતિને મળી શકે છે તેવી સંભાવના દર્શાવી હતી.
નોંધનીય છે કે ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં પણ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની ખાતરી આપી હતી. એ દિશામાં હવે તેઓ આગળ વધી રહ્યા છે. બીજી તરફ અમેરિકા અને રશિયાના વિદેશ મંત્રીઓ સહિતના ઉચ્ચ પ્રતિનિધિ મંડળની બેઠક રીયાધમાં મળતા યુદ્ધના અંત માટેના પ્રયાસોમાં સાઉદી અરેબિયાની ભૂમિકા કેન્દ્રસ્થાને હોવાનું ચિત્ર ઉપસ્યું છે.