ટ્રમ્પનું ફરી ગયું! ભારત પર ટેરિફ બમણો કર્યો : આજથી 25% ટેરિફ લાગુ, એક્સ્ટ્રા 25% ટેરિફ 27 ઓગસ્ટથી થશે લાગુ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફને હથિયાર બનાવીને વિશ્વ સામે પડકારો ફેંકી રહ્યા છે અને તેમના આ તોફાનના ભાગ રૂપે જ બુધવારે ટ્રમ્પે ભારતને ફરીવાર મોટો ઝટકો આપી દીધો હતો અને વધારાનો 25% ટેરીફ ભારત પર લગાવવાની જાહેરાત કરી દીધી હતી. રશિયાથી ઓઇલ ખરીદવા બદલ ટ્રમ્પે વધારાના 25%ની જાહેરાત કરી છે અને આમ ભારત પર હવે કુલ 50% ટેરીફનું ભારણ લાદી દેવામાં આવ્યું છે. નવા ટેરીફનો અમલ 27 ઓગસ્ટથી થવાનો છે. પરંતુ આ પહેલાં જે 25 ટકા ટેરીફ લગાવવામાં આવ્યો છે તેનો અમલ તા.7 એટલે કે આજથી જ લાગુ થયો છે. સાથોસાથ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે જો ભારત જવાબ આપે તો આમાં સુધારાની સંભાવના પણ રહેલી છે.
આ પણ વાંચો : હવે સમુદ્રમાં પણ ભારત લીડર બનશે : લોકસભામાં મર્ચન્ટ શિપિંગ બીલ પાસ,જાણો શું થશે બદલાવ, કોને થશે ફાયદો
ટ્રમ્પે બુધવારે ભરત પર કુલ 50% ટેરીફ લગાવવાના હુકમ પર સહી પણ કરી દીધી હતી. મંગળવારે જ એમણે એમ કહ્યું હતું કે, 24 કલાકની અંદર હું ભારત પર ભારેખમ ટેક્ષ લાગુ કરવાનો છું. ત્યારબાદ બુધવારે જ એમણે ભારત સામે પડકાર ફેંકી દીધો હતો.
ટ્રમ્પે ભારત પર એવો આરોપ મુક્યો છે કે, ભારત સતત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે અને વધુ નફો લઈને તેને વેંચી નાખે છે. ટ્રમ્પે એવો વાહિયાત આરોપ પણ મુક્યો હતો કે, ભારત રશિયાને ફાઇનાન્સ કરે છે અને યુક્રેનના યુધ્ધમાં આ ફંન્ડિંગ ભારત દ્વારા રશિયાને કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : બેન્ક ખાતેદારના મૃત્યુ બાદ પરિવારને સરળતાથી મળશે રકમ : રિઝર્વ બેન્કે આમ આદમીને આપી ત્રણ રાહતો
પાછલા કેટલાક દિવસોથી અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારીક ટેન્શન જોવા મળી રહ્યું છે. ભારતે જો કે, આ પહેલા પણ કહી દીધું હતું કે, કોઈપણ જાતના બ્લેકમેઈલીંગ કે દબાણની સામે ભારત ક્યારેય ઝુકશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમ કહ્યું હતું કે, રાષ્ટ્રના હિતમાં જે નિર્ણય હશે તે જ લેવાશે અને કોઈના દબાણ સામે ઝુકવાનો સવાલ જ ઉભો થતો નથી. ભારત પર હવે આમ કુલ 50% ટેરીફ લગાવવામાં આવ્યું છે ત્યારે નિકાસકારોને મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત ટેક્ષટાઈલ, ફાર્માસ્યુટીકલ સહિતના ક્ષેત્રોમાં પણ વધારે નકારાત્મક અસર પહોંચી શકે છે તેવો ભય રહે છે. જો કે, મંગળવારે જ કેન્દ્ર સરકારે ટ્રમ્પના ટેરીફ તોફાનને દબાવી દેવા માટે રૂા. 20 હજાર કરોડના નિકાસ પ્રમોશન મિશનની જાહેરાત કરી દીધી હતી. આમ ભારત અમેરિકાના કોઇ દબાણ સામે ઝુકશે નહીં.
