ટ્રમ્પે 69 દેશો પર નવા ટેરિફ કર્યા જાહેર : બ્રાઝિલ પર સૌથી વધુ 50 ટકા, જાણો કયા દેશે કેટલો ટેરિફ ચૂકવવો પડશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટ, 2025ની ટ્રેડ ડીલની મુદત પૂર્ણ થતાં જ 69 દેશો પર નવા ટેરિફ લાદવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યો છે. આ ઓર્ડર અમેરિકન વેપારને વધુ સ્પર્ધાત્મક બનાવવા અને વૈશ્વિક વેપારમાં અસંતુલન ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે લાગુ કરવામાં આવ્યો છે. નવા ટેરિફ 7 દિવસમાં અમલમાં આવશે, જેમાં બ્રાઝિલ પર સૌથી વધુ 50% અને યુકે સહિતના અન્ય દેશો પર 10% ટેરિફ લાગુ કરવામાં આવશે. ભારત પર 25% ટેરિફ યથાવત રહેશે. ટ્રમ્પના ઓર્ડર અનુસાર, જે દેશો એનૅક્સમાં સૂચિબદ્ધ નથી, તેમના પર 10% ટેરિફ લાગુ થશે. આ ઉપરાંત, યુરોપિયન યુનિયન અને જાપાન જેવા મુખ્ય વેપારી ભાગીદારો સાથેના વેપાર કરારોને ધ્યાનમાં રાખીને ટેરિફના દરો નક્કી કરવામાં આવ્યા છે.

ટ્રમ્પે જણાવ્યું કે કેટલાક દેશોએ વેપાર સંબંધોમાં અસંતુલન દૂર કરવા અથવા આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર અમેરિકા સાથે સહમત થવામાં નિષ્ફળતા દર્શાવી છે, જેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે. ટ્રમ્પ વહીવટના અધિકારીઓએ વધુ વેપાર સોદાઓની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી જાણકારી આપી હતી. એક અધિકારીએ કહ્યું કે અમે કેટલાક સોદા કર્યા છે, પરંતુ રાષ્ટ્રપતિની જાહેરાત પહેલાં અમે તેની વિગતો આપવા માંગતા નથી.

મેક્સિકો માટે કુણું વલણ
ટ્રમ્પે મેક્સિકોને 90 દિવસની રાહત આપી છે, જેમાં મોટાભાગની બિન-ઓટોમોટિવ અને બિન-ધાતુની ચીજવસ્તુઓ પર 30% ટેરિફ ટાળવામાં આવ્યો છે. આ રાહત મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેઈનબૌમ સાથેની ફોન પરની ચર્ચા બાદ આપવામાં આવી છે. જોકે, મેક્સિકન સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર પર 50% ટેરિફ અને ઓટોમોબાઈલ પર 25% ટેરિફ યથાવત રહેશે. ફેન્ટાનીલ સંબંધિત ચીજવસ્તુઓ પર પણ 25% ટેરિફ લાગશે.
આ પણ વાંચો : દેશના સૌથી મોટા ‘ડિજિટલ અરેસ્ટ’ કાંડનો છેડો રાજકોટમાં નીકળ્યો : ઠગ ટોળકીને બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર બે પકડાયા
ચીન સાથે વાટાઘાટો ચાલુ
ચીન અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ સંબંધિત વિવાદ હજુ અનિર્ણિત છે. ચીનને 12 ઓગસ્ટ સુધીમાં ટેરિફ કરાર કરવાની મુદત આપવામાં આવી છે. બંને દેશોએ મે અને જૂનમાં પ્રારંભિક સોદા કર્યા હતા, જેનાથી ટેરિફ યુદ્ધ અને રેર અર્થ મિનરલ્સની સપ્લાય પર રોક ટળી હતી.
આ પણ વાંચો : ભારત પર અમેરિકી ટેરીફ લાગુ ન થયા : એક અઠવાડિયાની મુદ્દત, ભારત સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખતું ટ્રમ્પ તંત્ર
કેનેડા ટેરિફ મુક્ત પણ…
અમેરિકા દ્વારા તેના બીજો સૌથી મોટા વેપારી ભાગીદાર દેશ કેનેડા પર ફેન્ટાનીલ સંબંધિત ચીજવસ્તુઓ માટે ટેરિફ 25%થી વધારીને 35% કરવામાં આવ્યો છે. ટ્રમ્પ વહીવટનું કહેવું છે કે કેનેડાએ ફેન્ટાનીલના પ્રવાહને રોકવામાં સહકાર આપ્યો નથી. જો કે ઉત્તર અમેરિકન ટ્રેડ પેક્ટ હેઠળ કેનેડાની ચીજવસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.