કાશ્મીરમાં આદિવાસી યુવાનનો આપઘાત પોલીસે અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ
જમ્મુ કાશ્મીર પોલીસે અત્યાચાર ગુજારી બળજબરીથી ખોટી કબુલાત કરી હોવાના આક્ષેપ સાથે કઠુઆ જિલ્લાના એક આદિવાસી યુવાને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તાર માં ભારે તંદેલી ફેલાઈ હતી. એ યુવાને આપઘાત કરતા પહેલા વિડીયો જારી કરી પોતાની આપવીતી વર્ણવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ કઠુઆ જિલ્લાના 25 વર્ષના મખન દિન નામના આદિવાસી યુવાનની પોલીસે આતંકવાદીઓ સાથે સાંઠ ગાંઠ હોવાની આશંકા સાથે અટકાયત કરી હતી.
એ યુવાને વીડિયોમાં જણાવ્યા મુજબ અટકાયત દરમિયાન પોલીસે તેની ઉપર ભયંકર અત્યાચાર ગુજાર્યો હતો અને આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ હોવાની બળજબરી થી કબુલાત કરાવી હતી. પોતાના પરિવારના અન્ય સભ્યોને અપમાનિત ન થવું પડે અને આવા અત્યાચારનો ભોગ ન બનવું પડે તે માટે પોતે આપઘાત કરતો હોવાનું તેણે વીડિયોમાં જણાવ્યું હતું.
આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. પીડીપીના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ જણાવયા અનુસાર બનાવ બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો અને લોકો પર તૂટી પડ્યા હતા. ઇન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. એ વિસ્તારમાં લોકો ભારે ભય અને ગભરાટ અનુભવી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.આ બનાવના ઘેરા પડઘા પડ્યા હતા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અમર અબ્દુલ્લાએ આ બનાવની ઝડપી તપાસ માટે કેન્દ્ર સરકાર સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે સ્થાનિક લોકોના સહકાર વગર જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નહીં બને.
આદિવાસી યુવાનના આપઘાતની ઘટનાની તપાસ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવશે તેવી જાહેરાત તેમણે કરી હતો.
આપઘાતનો આ બીજો બનાવ
આ અગાઉ એપ્રિલ 2023 માં મુખતાર હુસેન શાહ નામના યુવાને પણ પોલીસ અત્યાચારને કારણે આપઘાત કર્યો હતો. તેણે આપઘાત પહેલા દસ મિનિટની વિડીયો જારી કરી હતી જેમાં પોલીસે તેની પાસે આતંકવાદી સાંઠ ગાંઠની બળજબરીપૂર્વક કબુલાત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.