રેશનકાર્ડ ધારકોને ત્રણ માસનો જથ્થો એક સાથે વિતરણ કરવા વેપારીઓની માંગણી
રાજકોટ સહિત રાજ્યભરમાં રેશનકાર્ડ ધારકોને બબ્બે મહિનાનું અનાજ એક સાથે ફાળવવા હુકમ કર્યા બાદ પુરવઠા વિભાગ દ્વારા સમયસર જથ્થો ફાળવવામાં ન આવતા જૂન માસનો જથ્થો તા.5 જૂન સુધીમાં ફાળવી દેવા આદેશ કરવામાં આવતા રાજકોટના સસ્તા અનાજના વિક્રેતાઓએ જિલ્લા પુરવઠા અધિકારીને રજુઆત કરી 30 જૂન સુધીમાં જૂન, જુલાઇ અને ઓગસ્ટ માસનું અનાજ વિતરણ કરવા માંગણી કરવાની સાથે જ જે રેશનકાર્ડ ધારકોના 13 મેબાદ E-KYC થઇ ગયા હોય તેમનો જથ્થો પણ ફાળવવા માંગણી કરી હતી.

રાજકોટ શહેર ફેર પ્રાઇઝ શોપ એસોશિએશનના પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદેદારોએ જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત કરતા જણાવ્યું હતું કે, સરકારે મે માસમાં મે અને જૂન તેમજ જૂન માસમાં જુલાઇ અને ઓગસ્ટ માસનો જથ્થો વિતરણ કરવા સૂચના આપી છે. જે અન્વયે રાજકોટ શહેર અને જિલ્લામાં મે મહિનામાં જૂન માસનું અનાજ ન મળી શકતા હાલમાં તા.5 જૂન સુધીમાં તમામ દુકાનદારોને જૂન માસનું વિતરણ પૂર્વ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :6 જૂને મુખ્યમંત્રી રાજકોટમાં : રેસકોર્સ આર્ટ ગેલેરી સહિત 56 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
જે મોટા દુકાનદારો માટે શક્ય ન હોવાથી આગામી તા.30 જૂન સુધીમાં જુલાઇ અને ઓગસ્ટ મહિનાનો જથ્થો ફાળવી ત્રણ મહિનાનું અનાજ એક સાથે વિતરણ કરવા વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી હતી. સાથે જ એફપીએસ દ્વારા 13 મે સુધીમાં E-KYC- કરાવનાર રેશનકાર્ડ ધારકોનું અનાજ ફાળવ્યું હોય 13 મે બાદ E-KYC- કરાવનાર તમામ ગ્રાહકોનો જથ્થો વધારાની પરમીટમાં ફાળવવા માંગણી કરી હતી.
