રાજકોટના લોકમેળામાં રમકડાં-ખાણીપીણીના સ્ટોલમાં તડાકો બોલ્યો : વધુ 75 ધંધાર્થીઓ મેદાને આવ્યા
રાજકોટના લોકમેળામાં એસઓપી પાલન મુદ્દે સર્જાયેલ મળાગાંઠને કારણે રાઇડ્સ સંચાલકોએ મેળાનો બહિષ્કાર કરતા આ વર્ષે લોકમેળામાં અડધો-અડધ સ્ટોલ ખાલી રહ્યા છે ત્યારે લોકમેળા સમિતિ દ્વારા છેલ્લી તકરૂપે બુધવારે રમકડાં, ખાણીપીણી અને આઈસ્ક્રીમ ચોકઠાં માટે અપસેટ પ્રાઈઝથી સ્ટોલ ફાળવવા જાહેર કરતા છેલ્લી ઘડીએ તડાકો બોલ્યો હોય તેમ ખાણીપીણી અને રમકડાં કેટેગરીમાં 75 જેટલા ધંધાર્થીઓ મેદાને આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રેસકોર્સ મેદાનમાં આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર ભાતીગળ લોકમેળામાં એસઓપી હળવી કરવામાં આવ્યા બાદ યાંત્રિક કેટેગરીના તમામ 34 પ્લોટ, નાની ચકરડી અને મધ્યમ ચકરડીના તમામ પ્લોટ ફાળવણી કરવામાં આવ્યા બાદ પણ રમકડાં અને ખાણીપીણી કેટેગરી ઉપરાંત આઈસ્ક્રીમના 9 ચોકઠાં ખાલી રહેતા હોય લોકમેળા સમિતિ દ્વારા બુધવારે છેલ્લો પ્રયત્ન કરી બાકી રહેતા 143 સ્ટોલ અપસેટ કિંમતે જ ફાળવવા માટે જાહેરાત કરતા બુધવારે વધુ 75 ધંધાર્થી મેદાને આવ્યા હતા જેમાં બી રમકડાં કેટેગરીમાં 60, બી-1 ખાણીપીણી કેટેગરીમાં 15 તેમજ આઈસ્ક્રીમ ચોકઠાં કેટેગરીમાં 7 સહિત કુલ 75થી 80 જેટલા ધંધાર્થીઓએ રસ દાખવ્યો હતો.હવે આવતીકાલે બપોર સુધીમાં મેળામાં કેટલા સ્ટોલ ખાલી રહે છે તે ફાઇનલ થશે.
આ પણ વાંચો : સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખપદેથી હવે આપશે રાજીનામુ : આ મહિનાના અંત સુધીમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચા
દરમિયાન લોકમેળા સમિતિ દ્વારા અગાઉ મોટી રાઇડ્સ કેટેગરીમાં તમામ પ્લોટ ધારકોના પેમન્ટ જમા થઇ જતા એલોટમેન્ટ લેટર ફાળવણી કર્યા બાદ બીજા તબક્કામાં નાની અને મધ્યમ ચકરડી કેટેગરીમાં પણ તમામ ધંધાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી દીધા હોવાનું જાહેર કર્યું છે. દરમિયાન આ વર્ષે લોકમેળાના નામકરણ માટે અરજીઓ મંગાવતા 3000થી વધુ અરજીઓ આવી હોય જેમાંથી 100 જેટલી અરજીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જેમાંથી આજે જિલ્લા કલેકટર લોકમેળાનું નામકરણ કરશે.
