જો રસ્તો ખરાબ હાલતમાં હોય તો ટોલ વસૂલ કરી શકાતો નથી : જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
આપણે નેશનલ હાઈ-વે ઉપર વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સના નામે વરસે કરોડો રૂપિયા વસુલવામાં આવે છે પરંતુ રસ્તાની હાલત બિસ્માર હોય છે અને તેને લીધે અકસ્માતો થતા રહે છે અને વાહનોને પણ નુકસાન થતું રહે છે. ઘણી વાર ફરિયાદ ઉઠે છે કે ખરાબ રસ્તા હોય ત્યાં ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરો..હાલમાં જ રાજકોટ-જેતપુર વચ્ચે સિક્સ લેનની કામગીરી ચાલી રહી છે અને રસ્તાની હાલત અત્યંત ખરાબ છે ત્યારે વિવિધ સ્તરેથી ટોલનાકા બંધ કરવાની માંગ ઉઠી છે પણ કોઈ પ્રત્યાઘાત આવ્યો નથી. આવી સ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપીને સ્પષ્ટ કહ્યું છે કે, જો રસ્તો ખરાબ હાલતમાં હોય તો ટોલ વસુલી શકાતો નથી. આ ચુકાદા બાદ હાઇકોર્ટે નેશનલ હાઈ-વે ૪૪ ઉપર ટોલ ઘટાડવાનો આદેશ પણ આપ્યો છે. એટલુ જ નહી કેટલાક ટોલ નાકા ઉપર ટેક્સ ઘટાડીને માત્ર ૨૦ ટકા જ વસુલવા જણાવ્યું છે.
જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટનાં આ ચુકાદાની વ્યાપકપણે અસર પડી શકે છે. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરિટી આવા ખરાબ રસ્તા ઉપર ટોલ વસુલી જ શકે નહી. કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે, ટોલ નાકાની સંખ્યા માત્ર સામાન્ય લોકો પાસેથી પૈસા કમાવવાના હેતુસર ન હોવી જોઈએ.
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તાશી રબસ્તાન અને ન્યાયાધીશ એમ.એ. ચૌધરીની બેન્ચે NH-44 ના પઠાણકોટ-ઉધમપુર પટ્ટા સંબંધિત પી.આઈ.એલ.ઉપર સુનાવણી કરતા NHAI ને આદેશ આપ્યો કે લખનપુરથી ઉધમપુર સુધીના NH સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી, તાત્કાલિક અસરથી, બે ટોલ પ્લાઝા – લખનપુર અને બાન – ઉપર ટોલના માત્ર 20% વસૂલવામાં આવે.
કોર્ટે નેશનલ હાઈ-વે ૪૪ ના 60 કિમીની અંદર કોઈપણ પ્લાઝા સ્થાપિત ન કરવાનો પણ નિર્દેશ આપ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં બે મહિનાની અંદર આવા પ્લાઝા દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. “
નેશનલ હાઈવે ઓથોરિટી પાસે અધૂરા અથવા જર્જરિત નેશનલ હાઈવે ઉપર ટોલ તરીકે ઓળખાતી “યુઝર ફી” ને સ્થગિત કરવાની અથવા ઘટાડવાની સત્તા છે, પરંતુ તેણે ભાગ્યે જ આ જોગવાઈનો ઉપયોગ કર્યો છે. રસ્તાનું કામ ચાલુ હોય કે ખરાબ થઇ ગયા હોય, ડાઈવર્ઝન કાઢ્યું હોય વગેરે કારણોસર વાહનચાલકોને તકલીફ ભોગવવી પડે છે પણ તેને ટોલ ટેક્સમાં રાહત મળતી નથી.
સુગંધા સાહની નામની એક મહિલાએ પઠાણકોટથી ઉધમપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લખનપુર, થાંડી ખૂઈ અને બાન પ્લાઝા પર ટોલ મુક્તિ માંગતી પીઆઈએલ દાખલ કરી હતી, જ્યાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે પ્રોજેક્ટના ભાગ રૂપે બાંધકામ ચાલી રહ્યું છે. અરજદારે રજૂઆત કરી હતી કે ડિસેમ્બર, 2021 થી આ પટ્ટાનો લગભગ 60% થી 70% ભાગ બાંધકામ હેઠળ છે, છતાં NHAI લખનપુર, થાંડી ખૂઈ અને બાન પ્લાઝા પર ટોલ વસૂલ કરી રહ્યું છે,
આ અરજી ઉપર આદેશ આપતી વખતે, કોર્ટે કહ્યું, જો હાઇવે ખરાબ સ્થિતિમાં હોય અને વાહન ચલાવવામાં અસ્વસ્થતા હોય, તો મુસાફરો માટે ટોલ ચૂકવવાનું ચાલુ રાખવું અન્યાયી છે.