રાજકોટમાં 300 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ટોલ બૂથના ફાસ્ટટેગ ચેક કરાયા’તા: CGSTની વિંગે 15 દિવસ સુધી કર્યું કોંક્રિટ વર્ક
રાજકોટમાં CGSTની પ્રિવેન્ટિવ વિંગે પકડી પાડેલા મસમોટા 300 કરોડ જેવા બોગસ બિલિંગ કૌભાંડમાં ટીમ દ્વારા છેલ્લા પંદરેક દિવસથી વધુ સમય સુધી કોંક્રિટ વર્ક કરાયું હતું. હાથ લાગેલા પુરાવાઓ આધારે જે તે હાઈ-વે પરના ટોલ બૂથના ફાસ્ટટેગ ચેક કરાયા હતા. જ્યાં જ્યાં આવા બોગસ ઈ-વેબીલ વાળા વાહનો પહોંચ્યા તે વેપારી પેઢીઓ, ધંધાર્થીઓને ત્યાં પણ તપાસ લંબાવાઈ છે. રેકેટમાં ત્રિપુટીની ધરપકડ કરાવા સાથે સાત દિવસની કસ્ટડીમાં લેવાયા છે.
રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં આવેલી પેઢીઓમાં ટીમ દ્વારા દરોડા પાડીને કૌભાંડ પકડી પડાયું હતું. મહાદેવ નામની પેઢીમાંથી મોરબીની મા એન્ટરપ્રાઈઝનું કનેક્શન ખૂલ્યું હતું.જીલ અમલાણી (ઠક્કર), વિશાલ ઉર્ફે સાગર મુલિયા, અજય લાઠિયાની ધરપકડ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં જ 50 કરોડથી વધુની વેરાશાખ લીધાનું બહાર આવ્યું હતું.
પ્રિવેન્ટિવ વિંગ દ્વારા ડેટા એનાલિસીસ સિસ્ટમના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું. ઈસ્યુ થયેલા ઈ-વેબીલ, ઈન્વોઈસમાં જે તે વાહનોના નંબરો અને પાર્ટી, એડ્રેસ હતા તેની ખરાઈ કરી હતી. વાહનો એડ્રેસ અને એ રૂટ પર જે તે બીલ તારીખ મુજબ પસાર થયા હોય તે હાઈ-વે પરના ટોલ બૂથ પરથી પણ ફાસ્ટટેગ ચેક કરાયા કે જરૂરી પુરાવાઓ મેળવાયા હોવાનું જાણવા મળે છે. આરોપીની કસ્ટડી લેવાઈ છે અને તપાસમાં હજુ વધુ નામો ખૂલવાની શક્યતા સેવાઈ રહી છે.
