આજે છેલ્લો દિવસ ! રાજકોટના લોકમેળામાં કુલ સ્ટોલના 50 ટકા ફોર્મ ભરાયા
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં સ્ટોલ – પ્લોટ બુકીંગની મુદત પૂર્ણ થવાના એક દિવસ પૂર્વે ધંધાર્થીઓએ ફોર્મ જમા કરાવવા ધસારો કર્યો હતો અને ગુરુવારે એક જ દિવસમાં એક સાથે 49 ફોર્મ ભરાઈને પરત આવતા લોકમેળામાં કુલ 238 સ્ટોલ -પ્લોટ સામે 50 ટકા એટલે કે, 119 ફોર્મ જમા થઇ ગયા છે. બીજી તરફ ગુરુવારે 17 વધુ ફોર્મ ઉપડતા લોકમેળા માટે અત્યાર સુધીમાં કુલ 264 ફોર્મ ઉપડયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : સાહેબ લાડવો લેશો !! શિક્ષકોને સોંપાઈ VVIPઓના ભોજનની જવાબદારી, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં રાઇડ્સ માટે કડક એસઓપીને લઈ રાઇડ્સ સંચાલકોએ મેળાનો બહીષ્કાર કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા એસઓપીમાં છૂટછાટ જાહેર કરતા જ રાઇડ્સ સંચાલકોએ ફોર્મ ઉપાડવાનું શરૂ કરતા અન્ય ધંધાર્થીઓ પણ મોટા પ્રમાણમાં લોકમેળામાં સ્ટોલ પ્લોટ બુકિંગ માટે ફોર્મ ઉપાડી જમા કરી રહ્યા છે. જેમાં ગઈકાલ સુધીમાં 247 ફોર્મના ઉપાડ સામે 70 ફોર્મ જમા થયા હતા. દરમિયાન આજે તા.25ના રોજ ફોર્મ ઉપાડવા અને જમા કરાવવાનો છેલ્લો દિવસ હોય ગુરુવારે એક જ દિવસમાં 17 ફોર્મ ઉપડ્યા હતા. જેની સામે ગુરુવારે એક જ દિવસમાં 49 ફોર્મ જમા કરાવતા મેળામાં કુલ 238 સ્ટોલ પ્લોટ સામે ગુરુવારે સાંજ સુધીમાં 50 ટકા એટલે કે, 119 ફોર્મ જમા થઇ ગયા હતા. જો કે, હવે તંત્ર ફોર્મની મુદત લંબાવાના પક્ષમાં ન હોય આજે મોટા પ્રમાણમાં ફોર્મ જમા થવાની શક્યતા છે.