આજે ભારતનું પાકિસ્તાન સામે આર યા પાર! પહેલીવાર બન્ને એશિયા કપના ફાઈનલમાં ટકરાશે, બન્ને દેશમાં ‘ક્રિકેટફિવર’ છવાશે
41 વર્ષ બાદ આજે પહેલીવાર ભારત અને પાકિસ્તાન ટીમ એશિયા કપના ફાઈનલમાં ટકરાવા જઈ રહી છે ત્યારે ભારતનો એકમાત્ર લક્ષ્યાંક ચેમ્પિયન બનવાનો હશે. આ જ ટૂર્નામેન્ટમાં ભારતે 14 સપ્ટેમ્બર અને 21 સપ્ટેમ્બરે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હોવાથી ફાઈનલમાં પણ એ જ પેટર્નથી કચડવા માટે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. બીજી બાજુ પાકિસ્તાને ફાઈનલમાં પહોંચ્યા બાદ અનેક વખત હવાબાજી કરી હોય તેની હવા કાઢી નાખવા માટે ટીમ ઈન્ડિયા એડીચોટીનું જોર લગાવી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. બીજી બાજુ 18 વર્ષ બાદ પાકિસ્તાન સામે ફાઈનલમાં જીતવાની ભારત પાસે તક હોય તે વેડફાઈ ન જાય તે માટે ટીમે પૂરતી તૈયારી કરી હતી.
રાત્રે 8 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો ફાઈનલ મુકાબલો રમાશે. લીગ મેચ હોય કે સુપર-4 મુકાબલો હોય ભારત-પાકિસ્તાન મેચથી બન્ને દેશમાં ભયંકર ક્રિકેટફિવર છવાઈ જવા પામ્યો હતો ત્યારે હવે ફાઈનલ મેચ હોવાથી મેચનો રોમાંચ કંઈક ઔર જ જોવા મળશે. ભારત છેલ્લે 2007 ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે જીત્યું હતું. આ પછી 2008માં કિટપ્લાઈ કપ અને 2017માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ભારતે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
બીજી બાજુ આ વખતના એશિયા કપમાં ભારત ફાઈનલ સુધી `અજેય’ રહ્યું હોય તે છેવટ સુધી હાર્યા વગર જ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે ઉતરશે. હેડ કોચ ગૌતમ ગંભીર દ્વારા તમામ ખેલાડીઓને બહારના દેકારાથી દૂર રહી માત્રને માત્ર મેદાન ઉપર રમત ઉપર જ ધ્યાન આપવા સલાહ આપવામાં આવી હતી.
આ મેચમાં સૌથી વધુ નજર હાર્ડહિટર બની ગયેલા અભિષેક શર્મા ઉપર ટકેલી રહેશે. આ ઉપરાંત શુભમન ગીલ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન ઉપર બેટિંગની મહત્તમ જવાબદારી રહેશે. જ્યારે બોલિંગમાં જસપ્રિત બુમરાહ જે સુપર-4ની મેચમાં ચાર ઓવરમાં 45 રન આપી બેઠો હતો તે ફાઈનલ જેવી મેચમાં એવી ભૂલ ન થાય તેનું પૂરતું ધ્યાન રાખીને ઉતરે તે જરૂરી છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા, સ્પીનરો કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી ઉપર પણ પાકિસ્તાની બેટરોને `માપ’માં રાખવાની જવાબદારી રહેશે.
પાકિસ્તાન વિરુદ્ધ સૂર્યકુમારનું બેટ રહ્યું છે ખામૌશ…!
ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ ટી-20 ફોર્મેટમાં અત્યાર સુધી સાત ઈનિંગ રમી છે જેમાં તે 18.50ની સરેરાશથી માત્ર 111 રન બનાવી શક્યો છે. તે પાકિસ્તાન વિરુદ્ધ ટી-20માં એક પણ ફિફટી બનાવી શક્યો નથી અને આ ટીમ વિરુદ્ધ તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ પણ એશિયા કપ-2025માં જ આવી હતી. તેણે ગ્રુપ મેચમાં અણનમ 47 રન બનાવ્યા હતા. જ્યારે સુપર-4 મેચમાં તો તે ખાતુંપણ ખોલાવી શક્યો ન્હોતો. 47 રન પહેલાં તે 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો ન્હોતો.
