આજે પહેલીવાર ભારત-પાક.ની ટીમ એશિયા કપના ફાઈનલમાં ટકરાશે : ટાઈ મેચ ભારત માટે ટ્રોફીની ગેરંટી
એશિયા કપ-2025માં ભારતનો શ્રીલંકા વિરુદ્ધ મુકાબલો ટાઈ થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે સાતમી ટાઈ ટી-20 મેચ રમી હતી. આ ઉપરાંત ટીમ 10 એવી વન-ડે મેચ રમી ચૂકી છે જે ટાઈ થઈ હોય. આ ઉપરાંત ભારતીય ટીમ એક ટાઈ ટેસ્ટ મેચનો હિસ્સો પણ રહી ચૂકી છે.
આઈસીસી અને એસીસી ટૂર્નામેન્ટની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની ચોથી ટાઈ મેચ છે. સૌથી પહેલાં 2007માં ભારત-પાકિસ્તાનનો ટી-20 વર્લ્ડકપમાં રમાયેલો ગ્રુપ સ્ટેજ મુકાબલો ટાઈ રહ્યો હતો. આ પછી ભારતે બોલઆઉટ થકી એ મેચ જીતી હતી. ત્યારબાદ 2011 વન-ડે વર્લ્ડકપમાં ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ટાઈ મેચ રમી હતી. 2018 એશિયા કપમાં ભારત-અફઘાનિસ્તાન અને હવે 2025માં ભારત-શ્રીલંકા મેચ ટાઈ થવા પામી હતી.
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ટાઈ મેચ રમ્યા બાદ 2007માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. 2011 વર્લ્ડકપમાં પણ ભારતીય ટીમ વિજેતા બની હતી. 2018 એશિયા કપમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ટ્રોફી જીતી હતી ત્યારે હવે આજે પાકિસ્તાન સામે આજે રવિવારે તેનો ફાઈનલ મુકાબલો રમાશે જેમાં પણ તે જીતવા માટે પ્રબળ દાવેદાર છે.
એક જ ટૂર્નામેન્ટમાં પહેલીવાર ભારત-પાકિસ્તાન વચ્ચે થશે ત્રણ ટક્કર
અત્યાર સુધી માત્ર બે વખત એવું બન્યું છે જ્યારે પાંચથી વધુ ટીમ સાથે રમનારી પુરુષ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બન્ને ટીમ ત્રણ વખત એકબીજા સામે ટકરાઈ હોય. પહેલીવાર 1983ના વર્લ્ડકપમાં આવું બન્યું હતું જ્યારે ભારત-વિન્ડિઝ એકબીજા સામે ત્રણ વખત રમ્યા હતા. આ પછી 2004માં ભારત-શ્રીલંકા વચ્ચે આવું બન્યું હતું જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે એક જ ટૂર્નામેન્ટમાં ત્રણ મેચ રમાઈ હોય તેવું પહેલીવાર બનશે.
