દિલ્હીમાં કોચિંગ સેન્ટરના ભોયરામાં ત્રણ જિંદગી ડૂબી ગઈ
તંત્ર અને સંચાલકોની જીવલેણ લાપરવાહી:રસ્તા પરના પાણી 12 ફૂટ ઊંડા ભોંયરામાં ઠલવાયા
મૃતકો યુપીએસસીની તૈયારી કરતા હતા પણ કાળ આંબી ગયો

શનિવારે દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં કારોલબાગ વિસ્તારમાં આવેલ રાવ આઈએએસ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં યુપીએસસી ની તૈયારી કરી રહેલા ત્રણ આશાસ્પદ વિદ્યાર્થીઓના કરુણ મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના બાદ સેંકડો વિદ્યાર્થીઓએ દેખાવો કરતા વાતાવરણ તંગ બન્યું હતું.ઘટના બારમા પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને કો ઓર્ડીનેટર ની અટકાયત કરી હતી.દિલ્હી સરકારે બનાવની મેજિસ્ટ્રેરીઅલ તપાસના આદેશ આપ્યા હતા.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોચિંગ સેન્ટરના સંચાલકોની જીવલેણ લાપરવાહીને કારણે શનિવારે ત્રણ આશાસ્પદ જિંદગીનો અકાળે અંત આવી ગયો હતો. દિલ્હીમાં શનિવારે સાંજે વરસાદ આવ્યો ત્યારે આ કોચિંગ સેન્ટરના ભોયરામાં આવેલ લાઇબ્રેરીમાં 30 જેટલા વિદ્યાર્થીઓ અધ્યયન કરી રહ્યા હતા. એ દરમિયાન 12 ફૂટ ઊંડા ભોયરામાં પાણી ભરાઇ જતાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા.
કઈ રીતે બની ઘટના
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે સાંજે 7:00 વાગ્યે પ્રથમ કોલ આવતા પાંચ ફાયર ફાઈટર રવાના કરવામાં આવ્યા હતા. જોકે તે સમયે રસ્તા ઉપર પણ પૂરના પાણીને હોવાને કારણે પંપ દ્વારા ભોંયરામાંથી પાણી બહાર કાઢવાનું મુશ્કેલ બન્યું હતું. રસ્તાઓ પરથી પૂરના પાણી ઓસર્યા બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ એ દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ચૂક્યા હતા.12 વિદ્યાર્થીઓને ઉગારી લઈ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર ભોંયરામાં આવવા જવાનો એક જ રસ્તો હતો.ફસાયેલા વિદ્યાર્થીઓએ સીડી ચડવાનો પ્રયત્ન કર્યો હતો પણ રસ્તા પરથી પૂરના પાણી પગથિયા પર ધોધની માફક પડવા લાગતાં બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું
હતું.વિદ્યાર્થીઓને દોરડા નાખી બચાવવાનો પ્રયાસ થયો હતો પણ ગંદા પાણીને કારણે દોરડા નજરે નહોતા પડતાં.ઉપરાંત બેંચો પાણીમાં તરવા લાગતા અડચણો ઊભી થઈ હતી.એ દરમિયાન 12 થી 14 વિદ્યાર્થીઓ બહાર નીકળવામાં સફળ થતાં સદભાગ્યે તેમના જીવ બચી ગયા હતા.
ભોગ બનેલી એક છાત્રાએ હજુ એક મહિના પહેલા જ એડમિશન લીધું હતું
ત્રણ ત્રણ વિદ્યાર્થીઓના ડૂબી જવાને કારણે મોત થતા દિલ્હી સ્તબ્ધ થઈ ગયું છે.આ અત્યંત કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ઉતર પ્રદેશના આંબેડકરનગરની 25 વર્ષની યુવતી શ્રેયા યાદવે હજુ એક મહિના પહેલા જ આ સંસ્થામાં એડમિશન લીધું હતું.ભોગ બનનાર અન્ય યુવાન, કેરળના એનાર્કુલમનો વિદ્યાર્થી નેવિન ડેલવીન (ઉ. વર્ષ 28) આઠ મહિનાથી આઇએએસ ની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો. તે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી માંથી પીએચડી નો અભ્યાસ પણ કરતો હતો. 25 વર્ષીય વિદ્યાર્થિની તાન્યા સોની પાણી ભરાવાનું શરૂ થયું તેની થોડી મિનિટો પહેલા જ ભોયરામાં આવેલી લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા પહોંચી હતી પણ ક્રૂર કાળ તેને આંબી ગયો.
વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો
આ બનાવ બાદ તરત જ વિદ્યાર્થીઓએ દેખાવો શરૂ કરી દીધા હતા. એક વિદ્યાર્થીએ કહ્યું કે આ તો કેવું તંત્ર છે કે માત્ર 30 મિનિટમાં રસ્તા પૂરના પાણીથી ઉભરાવા લાગે? આવી ભયંકર દુર્ઘટના બન્યા પછી પણ કોઈએ અમારી સાથે વાત નથી કરી કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. બીજા એક વિદ્યાર્થી રોષભેર કહ્યું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન આ બનાવને દુર્ઘટના ગણાવે છે પણ આ દુર્ઘટના નથી.માત્ર અડધી કલાકના વરસાદમાં ગોઠણ સમાણા પાણી ભરાઈ જાય તેને દુર્ઘટના ન કહેવાય, તંત્રની વાપરવાહી કહેવાય અને તંત્રના પાપે જ આ ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે.
ભાજપ – આપ સામસામે
આ બનાવ બાદ રાજકારણ ગરમાયું હતું.ભાજપના પ્રવકતા મંજીંદર સિંઘ સિરસાએ કહ્યું કે આ દિલ્હી સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ફળતા છે. ભારતે આવી સંવેદનહીન સરકાર ક્યારેય જોઈ નથી. તેમણે કહ્યું કે આ દુર્ઘટના નથી,હત્યા છે.બીજી તરફ આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેના પ્રવક્તાએ કહ્યું કે આ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી ભાજપના કાઉન્સિલર છે. રસ્તા ઉપર પાણી ભરાતું હોય તો તે અંગે તેમણે શું કર્યું તેવો સવાલ તેમણે કર્યો હતો.