ગોગામેડીના બે હત્યારા સહિત ત્રણની ચંદીગઢ માંથી ધરપકડ
- દિલ્હી રાજસ્થાન પોલીસ નું સફળ ઓપરેશન
- અત્યાર સુધીમાં ચાર શખ્સો ઝડપાઈ ચૂક્યા છે
રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના વડા સુખદેવસિંહ ગોગામેડી ની હત્યા કરનાર બે શુટરો રોહિત રાઠોડ અને નીતિન ફૌજી તેમજ એ બંનેને ભગાડવામાં મદદ કરનાર ઉધમસિંહસ શનિવારે રાત્રે દિલ્હી અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપાઈ ગયા હતા.સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવનાર આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ હત્યાની જવાબદારી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર્સ ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઇના સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ સ્વીકારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બંને શુટરો હત્યા કર્યા બાદ મોબાઈલ ફોન દ્વારા સતત રોહિત ગોદારાના જમણા હાથ મનાતા વિરેન્દ્ર ચૌહાણ સાથે સંપર્કમાં હતા અને મોબાઈલ ફોન લોકેશન ના આધારે જ પોલીસ બંનેનો પીછો કરી રહી હતી. ધરપકડ બાદ નિતીન ફૌજીને જયપુર અને રોહિત રાઠોડ ને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. હત્યાનો અંજામ આપ્યા બાદ આ બંને શુટરોને રામવીર જાટ બાઈક ઉપર અજમેર રોડ પર છોડી ગયો હતો.રામવિરની પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી.આ બન્ને શુટરોની ધરપકડ સુધી દોરી જાય એવી માહિતી આપવા બદલ પોલીસે પાંચ પાંચ લાખના ઇનામની ઘોષણા કરી હતી.
કેનેડામાં ઘડાયું હતું હત્યાનું કાવતરું
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ કેનેડામાં સંતાયેલો રોહિત ગોદારા લોરેન્સ વિશ્નોઇ અને ગોલ્ડી બ્રાર ગેંગ સાથે સંકળાયેલો છે. રોહિત ગોદારા અને ગોગામેડી વચ્ચે મિલકત સંબંધી વિવાદ પણ હતો. આ અગાઉ ગોદારાની એક દુષ્કર્મ કેસમાં ધરપકડ થઈ હતી તેની પાછળ ગોગામેડી નો દોરી સંચાર હોવાનું માનવામાં આવે છે. પોલીસના જણાવ્યા મુજબ અજમેર જેલમાં ગોદારાની મુલાકાત વિરેન્દ્ર ચારણ સાથે થઈ હતી. ગોગામેડી ની હત્યા માટે શૂટર ગોતવાની જવાબદારી ગોદારાએ વિરેન્દ્ર ચારણ ને આપી હતી. વિરેન્દ્ર ચારણ અને નીતિન ફૌજી ની મુલાકાત પણ જેલવાસ દરમિયાન થઈ હતી. નિતીન ફૌજી વિદેશમાં સ્થાયી થવા માંગતો હતો. વિરેન્દ્ર ચારણે ગોગામેડીની હત્યા બાદ નીતિન ફૌજીને વિદેશમાં સેટલ કરવાની ખાતરી આપી હતી. બંને શૂટરોને ગન પણ વિરેન્દ્ર ચારણે પહોંચતી કરી હોવાનું ખુલ્યું છે. હત્યા બાદ બંને શુટરોએ હથિયાર જયપુરની એક હોટલ નજીક દાટી દીધી હતી.
હત્યા બાદ શું થયું?
હત્યા કર્યા બાદ બંને બદમાશો બસ દ્વારા ડીડવાના અને ત્યાંથી ટેક્સી દ્વારા સુજાનગઢ પહોંચ્યા હતા. સુજાનગઢ થી દિલ્હીની બસમાં બેસી ધારુખેડા ખાતે ઉતરી ગયા હતા. બાદમાં બંનેનું લોકેશન હિસારમાં મળ્યું હતું. જોકે પોલીસ પહોંચે તે પહેલા જ બંને મનાલી માટે નીકળી ગયા હતા. અને ત્યાંથી બંને ચંદીગઢ આવ્યા જ્યાં પોલીસે ખૂબ સીફતપૂર્વક બંનેની ધરપકડ કરી લીધી હતી.