બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયરના ચકચારી આપઘાત કેસમાં પત્ની સહિત ત્રણની ધરપકડ
પોલીસે ગુરુગ્રામ અને પ્રયાગરાજ માંથી ઉઠાવી લીધા
સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષના આપઘાત કેસમાં બેંગલુરુ પોલીસે રવિવારે તેની પત્ની નિકિતા સંઘાનીયા ( ઉ.વ.34) અને નિકિતાની માતા અને ભાઈની ધરપકડ કરી હતી.
અતુલ સુભાષે આપઘાત કરતા પહેલા જારી કરેલી 80 મિનિટની વિડીયો અને 14 પાનાની સ્યુસાઈડ નોટમાં પત્ની તથા સાસરીયા તરફથી ભરણપોષણના વળતર સહિતના મુદ્દે આપવામાં આવેલા અસહ્ય ત્રાસનું વર્ણન કર્યું હતું. અતુલ સુભાષે ન્યાય પ્રણાલી સામે પણ આક્ષેપો કર્યા હતા.એ ઘટનાએ સમાજને ધ્રુજાવી દીધો હતો. આ બનાવના અનુસંધાને સર્વોચ્ચ અદાલતે ભરણપોષણનું વળતર નક્કી કરવા બાબતે દેશની તમામ અદાલતો માટે આઠ મુદ્દાની ફોર્મ્યુલા સૂચવી હતી.
આ મામલામાં પોલીસે આપઘાત કરવા માટે મજબૂર કરવાનો ગુનો નોંધ્યો હતો અને રવિવારે નિકિતા, તેના માતા નિશાબેન અને ભાઈ અનુરાગને ગુરુગ્રામ અને પ્રયાગરાજમાંથી ઝડપી લીધા હતા. તમામ આરોપીઓને અદાલતે 14 દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા.ચોથા આરોપી કાકા સુશીલ સિંઘાનિયા ભાગી ગયા હોવાથી પોલીસે તેમને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમને અમારો પૌત્ર શોધી આપો, અતુલ સુભાષના પિતાનું આક્રંદ
અતુલ સુભાષે તેના ચાર વર્ષના પુત્રનો સંસ્કારભર્યો ઉછેર થાય તે માટે તેનો કબજો પોતાના પિતાને આપવાની અંતિમ ઈચ્છા નોટમાં જાહેર કરી હતી. જોકે એ પુત્ર અત્યારે ક્યાં છે તે કોઈ જાણતું નથી. અતુલના પિતા પવન કુમાર મોદીએ કહ્યું કે મારો પૌત્ર ગુમ છે.
તેની માતાએ તેને ક્યાં રાખ્યો છે એ અમને ખબર નથી.
અમારો પૌત્ર જીવિત છે કે મૃત્યુ પામ્યો છે તે પણ અમને ખબર નથી. તેમણે સત્વરે એ બાળકને શોધવા માટે પોલીસને વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે અમે અમારા પુત્રના અગ્નિસંસ્કાર કરી નાખ્યા છે પરંતુ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેનું અસ્થિ વિસર્જન નહીં કરીએ.