કેનેડામાં હિન્દુ નેતાઓએ મંદિરોની સુરક્ષામાં વધારો કર્યો: હિન્દુઓ અને મંદિરો પર જોખમ
હરદીપસિંઘ નીજજરની હત્યા અંગે થયેલા વિવાદ બાદ કેનેડાનો હિન્દુ સમુદાય ભય અને અસલામતીની લાગણી અનુભવી રહ્યો છે. વડાપ્રધાન જસ્ટિન ટુડો એ ભારત સામે આક્ષેપો કરી અને ખાલીસ્તાનીઓને ખુલ્લું સમર્થન આપ્યા બાદ હિન્દુઓને ધમકી આપવાના બનાવવામાં મોટો વધારો નોંધાયો હોવાનો હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે. મંદિરો ઉપર હુમલા થવાના એંધાણ વર્તાતા મંદિર સંચાલકો દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના પગલાં શરૂ કરાયા છે.
ગ્રેટર ટોરેન્ટો વિસ્તારના હિન્દુ મંદિરના ટ્રસ્ટીઓએ કહ્યું કે ખાલીસ્તાનીઓ ખુલ્લેઆમ હિન્દુઓને ધાક ધમકી આપી રહ્યા છે અને મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. તેમણે એ બાબતે ચિંતા વ્યક્ત કરી કે આમ છતાં પણ સરકાર નિષ્ક્રિય છે. આવા સંજોગોમાં મંદિરોમાં બેરીકેડ, સીસીટીવી કેમેરા, ખાનગી ગાર્ડ તેમજ મુખ્ય દ્વાર આગળ વધારાના દ્વાર બનાવવા જેવા પગલાંઓ શરૂ કરાયા છે.
ગ્રેટર ટોરેન્ટોના સનાતન મંદિરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ નિશાન બનાવવામાં આવે તેવા સંકેતો મળ્યા બાદ એ પ્રતિમા ફરતે સ્ટીલના પોલ લગાવવામાં આવ્યા છે. સનાતન મંદિરનું હવે પછી માત્ર એક જ દ્વાર ખોલવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે આ અગાઉ હેમિલ્ટનમાં ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. હરદીપસિંહ ની હત્યા બાદ 18 મી ઓગસ્ટે એક મંદિર ઉપર હુમલો થયો હતો અને મંદિરના દરવાજા પર ખાલીસ્તાનના સમર્થનમાં પોસ્ટરો લગાવાયા હતા. એ અગાઉ એપ્રિલ મહિનામાં સ્વામિનારાયણ મંદિર ઉપર પણ હુમલો થયો હતો.
કેનેડાએ વધુ એક વખત એડવાઈઝરી જાહેર કરી
બંને દેશો વચ્ચે રાજદ્વારી સંકટ ઘેરું બન્યું છે ત્યાં કેનેડાએ ભારતમાં વસતા કેનેડિયન નાગરિકોને અત્યંત સજાગ અને સાવચેત રહેવાની સૂચના આપતી નવી એડવાઈઝરી જાહેર કરી છે. કેનેડાના પ્રવક્તાના કહેવા મુજબ ભારતમાં જામેલ કેનેડા વિરોધી માહોલ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો અને સંદેશાઓને ધ્યાનમાં લઈને આ સૂચના આપવામાં આવી છે. હા એડવાઈઝરી બહાર પાડવા અંગે ભારતને આગોતરી જાણ કરી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
અમેરિકાનું અકળ વલણ
અમેરિકાએ ફરી એક વખત આ મામલે સૂચક નિવેદન આપ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે હત્યામાં ભારતની સંડોવણીના આક્ષેપોથી અમેરિકા ભારે ચિંતિત છે. અમે અમારા કેનેડિયન ભાગીદારો સાથે સતત સંપર્કમાં છીએ. તેમણે કહ્યું કે અમે પહેલેથી જ જાહેરમાં અને ખાનગીમાં પણ કેનેડાને તપાસમાં સહકાર આપવાનો ભારતને અનુરોધ કરતા રહ્યા છીએ. આ અગાઉ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લીનકેને પણ આ જ હેતુનું નિવેદન આપી તપાસમાં સહકાર આપવા ભારતને અનુરોધ કર્યો હતો. કેનેડા ખાતેના અમેરિકાના એમ્બેસેડર ડેવિડ કોહેને હત્યામાં ભારતની સંડોવણી તરફ દોરી જતાં પુરાવા ફાઈવ આઈ નેશને આપ્યા હોવાનું કહીને એ પુરાવા વિશ્વાસનીય હોવાનો ગર્ભિત ઈશારો કર્યો હતો.