ફરી તોળાયો વાવાઝોડાનો ખતરો : કાંઠાના વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી
એક તરફ દેશભરમાં ચોમાસુ જામ્યુ છે અને મોટાભાગના રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશરે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યુ છે અને તે કાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડાને ‘લોપર’ નામ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું કલાકના સાતથી આઠ કિલોમીટરની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું લો પ્રેશર પુરી, ઓડિશાથી લગભગ 50 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં, ગોપાલપુરથી 90 કિમી પૂર્વમાં, પારાદીપથી 140 કિમી દક્ષિણ-પશ્ચિમમાં અને કલિંગપટનમ (આંધ્રપ્રદેશ)થી 200 કિમી ઉત્તર-પૂર્વમાં છે. આગામી 2-3 દિવસ દરમિયાન તે તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણમાં રહેવાની શક્યતા છે.
હવામાન ખાતાએ તેના બુલેટિનમાં જણાવ્યું છે કે આગામી 4 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ રાજસ્થાનમાં 21 જુલાઇના રોજ અલગ-અલગ સ્થળે ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિ હિમાચલ પ્રદેશમાં 22 અને 23 જુલાઈએ અને ઉત્તરાખંડમાં 20-22 જુલાઈ દરમિયાન રહેશે.
આ ઉપરાંત આંદામાન અને નિકોબાર ટાપુઓ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.