મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હજારો કાર્યકરોએ પ્રચારની જવાબદારી ઉપાડી લીધી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનનો વિજય સુનિશ્ચિત કરવા માટે આરએસએસ એ કમર કસી છે. આરએસએસ અને તેને સંલગ્ન વિહિપ અને બજરંગ દળ જેવી સંસ્થાઓના હજારો કાર્યકરોએ ડોર ટુ ડોર કેમ્પેઈન દ્વારા છેવાડાના મતદારો સુધી પહોંચવાનું જબરજસ્ત આયોજન ઘડી કાઢ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપનો કરુણ રકાસ થયા બાદ પ્રચારનો દોર આરએસએસ એ સંભાળી લીધો છે.નોંધનીય છે કે 2019 ની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 23 બેઠકો પર વિજય મેળવનાર ભાજપ આ વખતની ચૂંટણીમાં માત્ર નવ બેઠક મેળવી શક્યો હતો. આ પરિણામોને આરએસએસ એ ખતરાની ઘંટી સમાન ગણાવ્યા હતા. સૂત્રોના જવાબ મુજબ બાદમાં ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતૃત્વમાં ત્રીજો ક્રમ ભોગવતા સહ સરકાર્યવાહક અતુલ લીમીયેની ભાજપ સાથે સંકલન સાધવા માટે કોઓર્ડીનેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
તેમણે છેલા મહિનાઓ દરમિયાન મુંબઈ, નાગપુર અને પુણેમાં ભાજપના નેતાઓ સાથે અનેક બેઠકો કરી પ્રચારની રણનીતિ નક્કી કરી હતી. નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હેડ ક્વાર્ટર નાગપુરમાં આવેલું છે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા ભાજપના મહારાષ્ટ્ર રાજ્યના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે જેવા દિગ્ગજ નેતાઓ પણ નાગપુરના છે.આ સંજોગોમાં નાગપુર અને આરએસએસ આ ચૂંટણી જંગમાં કેન્દ્રસ્થ ભૂમિકામાં આવી ગયા હોવાનું માનવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભામાં મળેલી હાર માટે આરએસએસએ મરાઠા અનામત તેમજ ઓબીસીની નારાજગી અને અજીત પવારની એનસીપી સાથેના ગઠબંધન જેવા પરિબળોને કારણભૂત માન્યા હતા. એ પરિબળોની અસર ભૂંસવા માટે આરએસએસના કાર્યકરો દ્વારા મહાયૂતી સરકારની લાડકી બહેન સહિતની કલ્યાણકારી યોજનાઓની છેવાડાના મતદારોને માહિતી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપની થયેલી પીછેહઠ બાદ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ આરએસએસના હજારો કાર્યકરોએ પ્રચાર અને ચૂંટણી વ્યવસ્થામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું. હરિયાણામાં શાસન વિરોધી લહેર જેવા પરિબળને કારણે પ્રારંભે અત્યંત નબળી હાલત ધરાવતા ભાજપના વિજય માટે આરએસએસ એ ભજવેલી ભૂમિકાનું ખૂબ મોટું પ્રદાન હતું અને હવે મહારાષ્ટ્રમાં પણ હરિયાણાનું પુનરાવર્તન કરવાનો વિશ્વાસ આરએસએસના નેતૃત્વ એ વ્યક્ત કર્યો હતો