વર્ષ 2026માં નવો સ્માર્ટફોન ખરીદનારાઓને લાગી શકે છે ઝટકો! મોબાઇલ ફોનના ભાવમાં 15 ટકાનો વધારાનો થવાનો ભય
નવું વર્ષ 2026 મોબાઈલ ધારકો માટે બોજો લઈને આવવાનું છે તેવું દેખાય છે કારણ કે, મોબાઈલના ભાવમાં એક સાથે 15 ટકાનો તોતીંગ વધારો થઈ શકે છે તેવા અહેવાલો બહાર આવ્યા છે. નવો મોબાઈલ ફોન ખરીદનારાઓએ હવે વધુ નાણાં ચૂકવવા પડશે. ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશને આ મુજબની જાહેરાત કરી છે.
એસોસિએશન દ્વારા એવી ચેતવણી અપાઈ છે કે, 2025મા મેમરી કોમ્પોનન્ટના ભાવ ખુબ જ વધી ગયા અને સતત કરન્સીમાં ઉતાર-ચઢાવ રહ્યો હોવાથી ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે અને હવે મોબાઈલ ફોનના ભાવમાં વધારો કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી. આ વધારો 10થી 15 ટકા જેટલો હોઈ શકે છે પરંતુ 15 ટકા જ વધારો થશે તેમ માનવામાં આવે છે.
એમણે કહ્યું છે કે, સ્માર્ટ ફોન બનાવનાર કંપનીઓ માટે ભારે અસ્થિર વાતાવરણ બની ગયું છે. ઉત્પાદન ખર્ચ વધવા સાથે તેનું મટિરિયલ મેળવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. આ પહેલાં શાઓમી, રિયલમી, વીવો અને ઓપો જેવી લિડિંગ બ્રાન્ડ દ્વારા કિંમતો વધારવા માટે મજબૂર થવું પડ્યું હતું. કેટલીક બ્રાન્ડે સીધી એમઆરપી વધારી દીધી છે.
એસોસિએશનના સંચાલકે એમ કહ્યું છે કે, દિવાળી બાદથી ગ્રાહકોની સંખ્યામાં ઝડપથી ઘટાડો નોંધાયો છે અને રિટેલ સેક્ટર પર ભારે દબાણ વધી રહ્યું છે. આમ, 2026માં સ્માર્ટ ફોનના ભાવમાં મોટો વધારો આવી રહ્યો છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
