આ ભારત દેશ છે અને તે બહુમતીઓની ઇચ્છા મુજબ જ ચાલશે: ‘કઠમુલ્લા’ દેશ માટે જોખમી
અલ્હાબાદ હાઇકોર્ટના સિટિંગ જજની ફટકાબાજી
અલ્હાબાદ હાઇકોર્ટના સિટિંગ જજ શેખરકુમાર યાદવે પ્રયાગરાજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલ આયોજિત કાર્યક્રમમાં કરેલા ઉદબોધનને કારણે વિવાદ થવાની સંભાવના છે. તેમણે તેમના પ્રવચનમાં કહ્યું હતું કે આ ભારત દેશ છે અને તે બહુમતીઓની ઈચ્છા મુજબ જ ચાલશે. તેમણે વિવિધ વિષયો પર વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે ત્રીપલ તલ્લાક, હલાલ કે બહુપત્નીત્વ કોઇપણ સંજોગોમાં સ્વીકાર્ય બની શકે નહીં. તેમણે દેશમાં યુસીસી કાયદો લાગુ પડશે જ તેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી. એક સીટિગ જજ ધર્મનિરપેક્ષ બંધારણ ધરાવતા દેશમાં એક વિશેષ સમુદાયને નિશાન બનાવી આવી ટિપ્પણી કરી શકે કે કેમ તે ચર્ચા કાનૂની વર્તુળોમાં જાગી છે. જસ્ટિસ યાદવે કહ્યું કે એક પુરુષ ચાર ચાર પત્ની ન રાખી શકે. મહિલાઓને ભરણપોષણ મળવું જોઈએ. ભલે તેમનો પર્સનલ લો આવી છૂટ આપતો હોય પરંતુ એ કદી સ્વીકાર્ય બની શકે નહીં. તેમણે વધુમાં કહ્યું કે હિન્દુ શાસ્ત્રો અને વેદોમાં મહિલાઓને દેવી સમાન ગણાવવામાં આવી છે પણ એક સમુદાય વધારે પત્ની ધરાવવાનો, હલાલનો અને ત્રીપલ તલાકનો અધિકાર હોવાનો દાવો કરે છે.
મુસ્લિમો પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે તમે લગ્ન સમયે ભલે અગ્નિના સાત ફેરા ન ફરો, ગંગામાં ડૂબકી ન લગાવો પરંતુ આ દેશની સંસ્કૃતિ, આ ભૂમિના દેવી-દેવતાઓ અને મહાપુરુષોનું અપમાન ન કરો તેવી અપેક્ષા તો તમારી પાસેથી રાખવામાં આવે જ છે. તેમણે હિન્દુઓમાં સહિષ્ણુતા અને દયાના સદગુણો શા માટે હોય છે તેના કારણો જણાવતા કહ્યું કે હિન્દુઓમાં બાળકનો જન્મ થાય તે સાથે જ ભક્તિ, વેદના મંત્રો અને અહિસાના પાઠ ભણાવવામાં આવે છે.
કીડીને પણ ન મારવાની ભારતની સંસ્કૃતિ છે અને એટલે જ હિન્દુઓમાં દયા, કરુણા અને સહિષ્ણુતાના ગુણો છે. આપણે અન્ય લોકોની પીડાની અનુભૂતિ કરીએ છીએ પણ તમારામાં એ ગુણો નથી. આગળ વધતા તેમણે કહ્યું કે તમે તમારા બાળકોની સામે જ કતલ કરો છો. ત્યારે તેમની પાસેથી સહિષ્ણુતા અને દયાના ગુણની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?
જસ્ટિસ યાદવે વધુમાં કહ્યું કે દરેક મુસલમાન ખરાબ નથી પરંતુ કઠમુલ્લાઓ દેશને નુકસાન કરી રહ્યા છે. એ લોકો જ ઉસકાણી કરે છે અને દેશનો વિકાસ અટકાવે છે.
ગાય ઉચ્છવાસમાં ઓક્સિજન બહાર કાઢે છે, ગૌ-મૂત્ર અને ગોબરથી અસાધ્ય રોગો મટે છે!
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટ શેખર કુમાર યાદવ વિવાદાસ્પદ અભિપ્રાયો આપવા માટે પ્રખ્યાત છેવર્ષ ૨૦૨૨ માં એક કેસની સુનાવણી દરમિયાન તેમણે સંસદમાં કાયદો લાવીને ભગવાન રામ,ભગવાન કૃષ્ણ,રામાયણ,ગીતા,મહર્ષિ વાલ્મિકી અને મહર્ષિ વેદ વ્યાસને રાષ્ટ્રીય સન્માન આપવાનો અનુરોધ કર્યો હતો. ગાય ઉચ્છવાસમાં પણ ઓક્સિજન બહાર કાઢતી હોવાનું અને ગોમૂત્ર અને ગોબર અનેક અસાધ્ય બીમારીઓમા ઉપયોગી હોવાનું કહી તેમણે ગાયને રાષ્ટ્રિય પ્રાણી જાહેર કરવા અનુરોધ કર્યો હતો. અન્ય એક સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારતના એક એક નાગરિકના હ્ર્દયમાં રામ વસે છે.