આટલી જ વાર લાગશે… ઉઘરાણીનો હવાલો લેનાર શખસે રાજકોટના વેપારીને છરી બતાવી આપી ધમકી
રાજકોટમાં છરી બતાવી ડરાવવા-ધમકાવવાની ઘટના હવે રોજિંદી બની ગઈ હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં આવા બનાવ બન્યાનું પોલીસ ચોપડે નોંધાઈ રહ્યું છે. આવો જ વધુ એક બનાવ સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે બન્યો હતો જ્યાં ઉઘરાણીનો હવાલો લેનાર શખ્સ અને તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા શખ્સોએ રેતી-કપચીના વેપારીને છરી બતાવી ‘આટલી જ વાર લાગશે’ તેવું કહેતાં ગભરાયેલા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મવડીના બાપા સીતારામ ચોક પાસે રહેતા કૃણાલ ભૂપતભાઈ મોણપરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે આઠ મહિના પહેલાં તેણે અજય શંખાવરા સાથે ભાગીદારીમાં રેતી-કપચીનો ધંધો ચાલું કર્યો હતો. જો કે હિસાબ બાબતે મનદુ:ખ થતાં આ ભાગીદારી
પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. ભાગીદારી છૂટી કર્યા બાદ ૧૩ લાખ રૂપિયા બાકી નીકળ્યા હતા જેમાંથી સાત લાખ કૃણાલના ભાગે અને છ લાખ અજય શંખાવરાના ભાગે ચૂકવવાના આવ્યા હતા. આ પૈસાની ઉઘરાણી બન્નેએ જેને-જેને માલ આપ્યો હોય તેની પાસેથી કરવી તેવો નિર્ણય લીધો હતો. જો કે અજયે કૃણાલને ફોન કરી એવું કહ્યું હતું કે તેણે જેને માલ આપ્યો છે તેની ઉઘરાણી પણ કૃણાલે જ કરવી પડશે.
દરમિયાન ૯ એપ્રિલે પિયુષ મોલિયા કે જે અજય શંખાવરાનનો મીત્ર છે તેણે કૃણાલને ફોન કરી સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે બોલાવ્યો હતો. આ વેળાએ પિયુષ કાળા કાચવાળી નંબરપ્લેટ વગરની એન્ડેવર કારમાં આવ્યો હતો અને તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સો પણ બેઠા હતા. તેણે કૃણાલને છરી બતાવી આટલી જ વાર લાગશે
તેમ કહી ધમકાવ્યો હતો સાથે સાથે પૈસાનો વહીવટ કેવી રીતે કરવાનો છે તેમ પૂછતાં કૃણાલે કહ્યું હતું કે હિસાબ પૂરો થઈ ગયો છે. આ સાંભળી પિયુષ ઉશ્કેરાઈ ગયો હતો અને હવે તને મારી નાખવો છું, તું બીજી વખત ભેગો થઈશ એટલી જ વાર છે તેવી ધમકી આપવા લાગ્યા હતા. જો કે આ સમયે પોલીસની ગાડી આવી જતાં ચારેય નાસી છૂટયા હતા.