મહિલાઓ માટે કમાલની છે આ સરકારી સ્કીમ
કેન્દ્રની સહાયતાથી 2 વર્ષમાં જ મહિલાઓ સમૃધ્ધ બની જાય છે: તમને ખબર છે કે નહીં ?: મહિલા સન્માન સેવિંગ સર્ટી સ્કીમ વિષે જાણો અને તમે પણ લાભ લેવા તૈયાર થઈ જાઑ: પુરુષો પણ સગીર દીકરીઓ માટે લાભ લઈ શકે છે
કેન્દ્ર સરકાર સમાજના અલગ અલગ વર્ગો માટે ઘણી સહાયક યોજનાઓ આપે છે પણ આપણું ધ્યાન હોતું નથી અથવા આપણે ભૂલી જઈએ છીએ. મહિલાઓને એક ખાસ સ્કીમની યાદ અમે આપી રહ્યા છીએ. મહિલા સન્માન બચત પ્રમાણપત્રની જાહેરાત બજેટ 2023 માં કરવામાં આવી હતી. આ એક નાની બચત પ્રમાણપત્ર છે જે ભારત સરકાર દ્વારા મહિલા રોકાણકારોને આપવામાં આવે છે.
રોકાણ દ્વારા મહિલાઓ અને છોકરીઓને આર્થિક સશક્તિકરણ આપવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના મહિલાઓને ટૂંકા ગાળામાં સારું વળતર આપવા માટે બનાવવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી ચાલુ રાખવા જઈ રહી છે.
શું બજેટ 2024 માં કોઈ જાહેરાત હતી ?
ના, બજેટ 2024માં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં વ્યાજ દર અને રોકાણની સમય મર્યાદા પહેલાની જેમ જ રહેશે. નોંધ કરો કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એ એપ્રિલ 2023 થી માર્ચ 2025 સુધી 2 વર્ષ માટે ઉપલબ્ધ વન-ટાઇમ સ્કીમ છે. ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. જો કે, કેટલીક બેંકો આ ખાતું ખોલવાની સુવિધા પણ આપી રહી છે.
ખાતું કોણ ખોલાવી શકે?
આ યોજના હેઠળ કોઈપણ વયની ભારતીય મહિલાઓ ખાતું ખોલાવી શકે છે. આ સિવાય પુરૂષ વાલીઓ તેમની સગીર દીકરી માટે પણ ખાતું ખોલાવી શકે છે. આ યોજના સગીર છોકરીઓને નાણાકીય ઉત્પાદનોમાં રોકાણ કરવાની તક પણ પૂરી પાડે છે.
7.5 ટકા વ્યાજ
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપે છે, જે દર ક્વાર્ટરમાં ખાતામાં ઉમેરવામાં આવે છે, પરંતુ વ્યાજ અને મુદ્દલની રકમ પાકતી મુદત પર જ ઉપલબ્ધ છે. આ યોજનાની પાકતી મુદત 2 વર્ષ છે. જો તમે આ સ્કીમમાં 2 વર્ષ માટે 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો મેચ્યોરિટી પર તમને 2.32 લાખ રૂપિયા મળશે.
રોકાણ મર્યાદા
આ સ્કીમમાં પૂરા 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. રોકાણની મહત્તમ મર્યાદા એકાઉન્ટ દીઠ રૂ. 2 લાખ છે. 1000 રૂપિયાથી વધુની રકમ માત્ર 100ના ગુણાંકમાં જ જમા કરાવી શકાય છે. ખાતું ખોલાવ્યાના 1 વર્ષ પછી, કુલ જમા રકમના 40 ટકા સુધી ઉપાડી શકાય છે.
