આ દેશ પર મંડરાઈ રહ્યો છે દુનિયામાંથી ગાયબ થવાનો ખતરો !! નિષ્ણાતોએ સર્વેક્ષણ કરીને આપી ચેતવણી, જાણો શું છે કારણ
દક્ષિણ કોરિયા ભારતના યુવાનોને ગમતો દેશ છે કારણ કે નવી પેઢી કોરિયન સિરીઝ જોઈ જોઈને મોટી થઈ રહી છે. કીમ-જોંગ-ઉનને કારણે નોર્થ કોરિયા પંકાઈ ગયેલો દેશ છે પણ સાઉથ કોરિયા તો લોકો ફરવા પણ જાય છે. તેની નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ અને આધુનિકીકરણ માટે તે દેશ પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તે દેશ એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને તે મુદ્દો છે વસ્તીમાં ઘટાડો. નિષ્ણાતોએ સર્વેક્ષણ કરીને ચેતવણી આપી છે કે તે દેશમાં જો આ વલણ જ ચાલુ રહેશે, તો દક્ષિણ કોરિયાની વસ્તીમાં ધરખમ ઘટાડો થઈ શકે છે, સંભવતઃ સદીના અંત સુધીમાં દેશની સાઈઝ પણ ઘટી જાય!
દક્ષિણ કોરિયા વિશ્વમાં સૌથી નીચો પ્રજનન દર ધરાવે છે. 2023 માં ત્યાં જન્મ દર સ્ત્રી દીઠ માત્ર 0.72 બાળકો જેટલો હતો અને 2024 માં તે વધુ ઘટીને 0.6 થવાની ધારણા છે. વસ્તી જાળવવા માટે, દેશને સ્ત્રી દીઠ 2.1 બાળકોના જન્મ દરની જરૂર છે. સરકાર ચિંતિત છે કે વસ્તી, હાલમાં તે દેશની વસ્તી પાંચેક કરોડ છે જે ઇ.સ. 2100 સુધીમાં ઘટીને માત્ર દોઢ કરોડ થઈ જશે.
વસ્તી ઘટાડાની કટોકટીનો સામનો કરવા માટે દક્ષિણ કોરિયાની સરકાર કડક પગલાંઓ લેવાનું વિચારી રહી છે. જેમ કે માતાપિતાને દરેક બાળક માટે 100 મિલિયન વોન (લગભગ 76,000 ડોલર) આપવા. હાલમાં, માતાપિતાને બાળક દીઠ રૂ. 35-50 મિલિયનનું પ્રોત્સાહન મળે છે, પરંતુ સરકારને આશા છે કે ઉચ્ચ નાણાકીય સહાયથી વધુ જન્મોને પ્રોત્સાહન મળશે. નાગરિકો પણ જન્મદર વધારવા માટે રાષ્ટ્રીય બજેટનો નોંધપાત્ર હિસ્સો ખર્ચવો જોઈએ તે મત ધરાવે છે.
ઓછા જન્મ દર માટે કારણભૂત પરિબળો:
1. મોંઘવારી : દક્ષિણ કોરિયામાં બાળકોને ઉછેરવા મોંઘા પડે છે. આવાસ, શિક્ષણ અને બાળ સંભાળનો ખર્ચ ઘણા યુગલોને હતોત્સાહ કરે છે.
2. કારકિર્દીને અગ્રીમતા: ઘણી સ્ત્રીઓ તેમની કારકિર્દી પર જ ધ્યાન આપે છે નાતે લગ્ન કે બાળકોને જન્મ આપવાનું ટાળે છે. સાઉથ કોરિયાનું ડિમાન્ડિંગ વર્ક કલ્ચર ઘણીવાર કારકિર્દી અને પારિવારિક જીવનને સંતુલિત કરવાનું મુશ્કેલ બનાવે છે.
3. સાંસ્કૃતિક પરિવર્તન: લગ્ન હવે સંતાન પ્રાપ્તિ માટે જરૂરી નથી – એવું નવી પેઢી માનવા લાગી છે. વધુ લોકો હવે લગ્ન વગર જ બાળકોને જન્મ આપવામાં માને છે.
વસ્તી ઘટાડાનો જૂનો ઇતિહાસ
આ કટોકટી રાતોરાત ઊભી થઈ નથી. 1960 ના દાયકામાં, સરકારે ઝડપી વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવા કુટુંબ નિયોજનની નીતિઓ રજૂ કરી. તે સમયે, દક્ષિણ કોરિયાનો પ્રજનન દર સ્ત્રી દીઠ 6 બાળકો હતો. 1983 સુધીમાં, પ્રજનન દર ઘટીને 2.1 ના રિપ્લેસમેન્ટ લેવલ પર આવી ગયો, પરંતુ પછીના દાયકાઓમાં તે ઝડપથી ઘટતો રહ્યો.
ઘરની જવાબદારીઓમાં અસમાનતા એ બીજી મોટી સમસ્યા છે. વધુને વધુ મહિલાઓ કમાવવા માટે બહાર જતી હોવા છતાં, તેમાંથી 92% સ્ત્રીઓ ઉપર ઘરના કામકાજની જવાબદારી રહે છે જ્યારે માત્ર 61% પુરૂષો જ ઘરની જવાબદારી લે છે. આને કારણે ઘણી સ્ત્રીઓની લગ્ન કરવાની કે બાળકોની ઇચ્છા હોતી નથી.
આ પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહેલા દેશોમાં દક્ષિણ કોરિયા એકલું નથી. જાપાન અને ચીન જેવા પાડોશી દેશો પણ નીચા જન્મ દરનો અનુભવ કરી રહ્યા છે. જાપાનમાં, 2022 માં પ્રજનન દર 1.26 હતો, અને 2023 માં મૃત્યુ પામતા લોકોની સંખ્યા જન્મતા બાળકો કરતાં વધી ગઈ.
જો દક્ષિણ કોરિયાની વસ્તીમાં સતત ઘટાડો થતો રહેશે, તો દેશને શ્રમબળની તંગી અને વૃદ્ધોની વધી રહેલી વસ્તી જેવા ગંભીર આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. સરકારી પ્રોત્સાહનો અને સરકારી નીતિઓ દ્વારા જન્મ દર વધારવાના પ્રયાસો છતાં, આ નીચે પડી રહેલા ગ્રાફના વલણને ઉલટાવવું એ એક મોટો પડકાર છે.આ વસ્તી વિષયક કટોકટી દક્ષિણ કોરિયાને અદૃશ્ય થનારો વિશ્વનો પ્રથમ દેશ બનાવી શકે છે અને તેના ઉદાહરણ પરથી બીજા દેશોએ પણ ચેતવા જેવું છે. જો કે ભારતને વસ્તી – ઘટાડાનો પ્રશ્ન ક્યારેય નહીં નડે એટલું નક્કી છે.