કાલાવડ રોડ, જિલ્લા પંચાયત ચોક, સોરઠિયાવાડી, કોઠારિયા રોડ સહિતના વિસ્તારો ગુનેગારો માટે મોકળું મેદાન
દબાણ-ટ્રાફિક પર નજર રાખવા, ગુનાને અંજામ આપી નાસી રહેલા ગુનેગારને પકડવા સહિતની કામગીરી માટે પોલીસ-મનપાના ૧૦૦૦થી વધુ કેમેરામાંથી ૧૦૭ બંધ
ક્યાંક સર્કલ નાનું કરાતું હોવાને કારણે બે મહિના સુધી તો ક્યાંક લાઈનમાં ખોટકો આવી જવાને કારણે કેમેરા બંધ: સંતકબીર અન્ડરબ્રિજ પાસે તો કેમેરો જ ચોરાઈ ગયો
લોકોને પોતાની સોસાયટી, કારખાના, ઘર-ઓફિસ બહાર કેમેરા ફિટ કરવાની
સુફિયાણી’ સલાહ આપતું તંત્ર પહેલા પોતાનું ઘર ઠીક કરે…!
રાજકોટમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા, દબાણો પર નજર રાખવા ઉપરાંત ગુનાને અંજામ આપી ફરાર થઈ રહેલા ગુનેગારોનું પગેરું દબાવવા સહિતના માટે મદદરૂપ થઈ શકે તે માટે મહાપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૧૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કે પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે કાલાવડ રોડ, જિલ્લા પંચાયત ચોક, સોરઠિયાવાડી, કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં આજની તારીખે કેમેરા બંધ હાલતમાં પડેલા હોવાથી ગુનેગારોને મોકળું મેદાન હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. આ પાછળ અનેક કારણો જવાબદાર છે જેમાં સૌથી મોટું કારણ સર્કલ નાના કરવાની જે કાર્યવાહી ચાલી રહી છે તે મુખ્ય છે. આ ઉપરાંત અમુક સ્થળે લાઈન ખરાબ થઈ જવાને કારણે તો અમુક જગ્યાએ કેમેરા ખરાબ થઈ જવાને કારણે બંધ પડ્યા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
કુલ ૧૦૦૦થી વધુ કેમેરામાંથી ૧૦૭ કેમેરા અત્યારે બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે જે ૧૦ દિવસથી લઈ બે મહિના સુધી બંધ જ રાખવામાં આવશે. આ માટે ક્યાંક સર્કલ નાનું કરાતું હોવાને કારણે બે મહિના સુધી તો ક્યાંક લાઈનમાં ખોટકો આવી જવાને કારણે હવે એ કેમેરો ક્યારે શરૂ કરવામાં આવશે તેની સમયમર્યાદા નક્કી થવા પામી નથી. આશ્ચર્યની વાત એ છે કે સંતકબીર રોડ પર અન્ડરબ્રિજ પાસેનો કેમેરો તો ચોરાઈ જ જવા પામ્યો છે.
તંત્ર દ્વારા લોકોને પોતાની સોસાયટી, કારખાના, ઘર-ઓફિસ બહાર કેમેરા ફિટ કરવા માટે તંત્ર દ્વારા સુફિયાણી સલાહ આપવામાં આવે છે પરંતુ પોતાનું જ ઘર અત્યારે યોગ્ય હાલતમાં ન હોવાને કારણે પહેલાં તેને ઠીક કરવું જોઈએ…!
કેમેરા બંધ હોવાથી ગુનેગારો સુધી પહોંચવામાં પોલીસને ઉતરી જાય છે પગે પાણી
૧૦૭ જેટલા કેમેરા અને તેમાં પણ અનેક પોશ વિસ્તારોમાં કેમેરા બંધ હોવાને કારણે ચોરી, ઘરફોડી, લૂંટ, તફડંચી, મારામારી, હત્યા સહિતના કોઈ પણ ગુનાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા ગુનેગારને પકડવા માટે છેલ્લા ઘણા સમયથી સીસીટીવી કેમેરા પોલીસ માટે આશીર્વાદરૂપ સામેલ થયા છે પરંતુ અત્યારે અમુક કેમેરા બંધ હોવાને કારણે ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસના પગે પણ પાણી ઉતરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં ચાલકોને પણ દંડ ફટકારી શકાતો નથી.
કયા કયા વિસ્તારોના કેમેરા બંધ
૮૦ ફૂટ રોડ સર્કલ નાનું કરવાને કારણે
આજી ડેમ ચોકડી સર્કલ નાનું કરવાને કારણે
બીગબજાર પાસે સર્કલ નાનું કરવાને કારણે
ચુનારાવાડ ચોક લાઈન ખરાબ
ડિલક્સ ચોક સર્કલ નાનું કરવાને કારણે
ગંજીવાડા મફતિયા સર્કલ નાનું કરવાને કારણે
જિલ્લા પંચાયત ચોક સર્કલ નાનું કરવાને કારણે
કોટેચા ચોક સર્કલ નાનું કરવાને કારણે
કોઠારિયા ચોકડી લાઈન ખરાબ
પુનિતનગર સર્કલ નાનું કરવાને કારણે
રેસકોર્સ લાઈન ખરાબ
રેસકોર્સ બાલઉદ્યોગ લાઈન ખરાબ
રેસકોર્સ લવગાર્ડન લાઈન ખરાબ
રૈયા ચોકડીથી નાણાવટી ચોક લાઈન ખરાબ
રૈયા ટેલિ.એક્સચેન્જથી ૧૫૦ ફૂટ રોડ સર્કલ નાનું કરવાને કારણે
સંતકબીર રોડ કેમેરો ચોરાઈ ગયો-બગડી ગયો
સોરઠિયાવાડી સર્કલ સર્કલ નાનું કરવાને કારણે
બજરંવાડી સર્કલ કેબલમાં ખરાબી
રેસકોર્સ લવગાર્ડનના તમામ કેમેરા બંધ
જાણવા મળેલી વિગતો પ્રમાણે રેસકોર્સના લવ ગાર્ડન વિસ્તારમાં ૧૧ કેમેરા ફિટ કરવામાં આવ્યા છે પરંતુ આ તમામ અત્યારે બંધ હાલતમાં હોવાનું ધ્યાન પર આવ્યું છે. કેમેરા બંધ થવા પાછળ મહાપાલિકા દ્વારા ઈન્ટરનલ ફાઈબર લિન્ક ડાઉન મતલબ કે લાઈન ખરાબ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત રેસકોર્સ બાલઉદ્યાન પાસેના તમામ કેમેરા તેમજ રેસકોર્સ સીનિયર સિટીઝન પાર્કના તમામ કેમેરા પણ હાલ બંધ હાલતમાં હોવાનું ધ્યાન પર આવ્યું છે.
પ્રદ્યુમન પાર્કમાં વાઘ, પક્ષી, સાપના ઘર બહારના કેમેરા બંધ
લોકોના હરવા-ફરવાના સ્થળ એવા પ્રદ્યુમન પાર્ક ઝૂમાં વ્હાઈટ ટાઈગરના પાંજરા બહાર ત્રણ કેમેરા ફિટ કરવામાં આવ્યા છે જે અત્યારે બંધ હાલતમાં પડ્યા છે. આ ઉપરાંત પ્રદ્યુમન પાર્કમાં સિટી વ્યુ પોઈન્ટ, પક્ષીનું ઘર તેમજ સાપના ઘર બહાર લગાવાયેલો કેમેરો પણ ખરાબી આવી જવાને કારણે બંધ હાલતમાં પડેલો છે.