રાજકોટમાં કાલે ટીમ ઈન્ડિયા સામે ઈંગ્લેન્ડના આ 11 ખેલાડી મેદાને ઉતરશે : પ્લેઈંગ 11ની જાહેરાત, મેદાનમાં રનનો થશે વરસાદ
આ દિવસોમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી20 મેચની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની ત્રીજી મેચ મંગળવાર (28 જાન્યુઆરી) ના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ છે. ઇંગ્લેન્ડ માટે ત્રીજી મેચ નિર્ણાયક છે. ઇંગ્લેન્ડે સોમવારે રાજકોટ ટી20 માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી. જોસ બટલરના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઇંગ્લેન્ડે બે મેચના ઘાને ભરવા માટે જૂની યોજનાને વળગી રહેવાનો નિર્ણય લીધો છે.
નિરંજન શાહ સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે મદદરૂપ માનવામાં આવે છે પરંતુ બટલર સિવાય ઇંગ્લેન્ડનો કોઈ પણ બેટ્સમેન ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. બટલરે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતેની પહેલી મેચમાં 68 અને ચેન્નાઈના એમ ચિદમ્બરમ ખાતેની બીજી મેચમાં 45 રન બનાવ્યા હતા. સૂર્યા બ્રિગેડે કોલકાતામાં 7 વિકેટે અને ચેન્નાઈમાં 2 વિકેટે જીત મેળવી. જેમી સ્મિથ અને બ્રાયડન કાર્સે છેલ્લી મેચમાં પોતાની પ્રતિભાની ઝલક બતાવી હતી પરંતુ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઈંગ્લેન્ડના ઝડપી બોલરો જોફ્રા આર્ચર અને માર્ક વુડે અત્યાર સુધી તેમની શોર્ટ-પિચ બોલિંગથી ભારતીય બેટ્સમેનોને મુશ્કેલ પડકાર આપ્યો છે, પરંતુ તિલક વર્મા સામે તેમની વ્યૂહરચના કામ કરી શકી નથી. આર્ચરે છેલ્લી મેચમાં ચાર ઓવરમાં 60 રન આપ્યા હતા. સ્પિનર આદિલ રશીદે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડ શ્રેણીમાં ટકી રહેવા માટે કોઈપણ કિંમતે ત્રીજી ટી20 જીતવાનો પ્રયાસ કરશે. ભારત અને ઇંગ્લેન્ડના T20 હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, બંને ટીમો એકબીજા સામે કુલ 25 મેચ રમી છે. ભારતે 15 મેચ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તે જ સમયે, ઇંગ્લેન્ડે 11 ટી20 મેચ જીતી છે.
ભારત સામેની ત્રીજી T20I માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI: જોશ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકિપર), બેન ડકેટ, હૈરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જૈમી સ્મિથ, જૈમી ઓવર્ટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશિદ, માર્ક વૂડ
બંને ટીમે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી
રવિવારે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવી પહોંચ્યા બાદ આજે સવારે 10 વાગ્યા થી બંને ટીમે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. પહેલા ઇંગ્લેન્ડની ટીમે પ્રેક્ટિસ કરી હતી. બાદમાં ભારતીય ટીમે બેટિંગ પીચ ઉપર પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમના સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇંગ્લેન્ડ સામે ટક્કર લેશે. આ ટીમના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રની ટીમના પૂર્વ કેપ્ટન સિતાંશુ કોટકની BCCI એ નિમણુક કરી છે.
રાજકોટમાં રવિવારે ટીમનું આગમન થયું ત્યારે હોટલ ઉપર ગરબાથી ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહની આગેવાની હેઠળ ટીમ દ્વારા મેચ માટે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટ રસિકો રાજકોટ આવી રહ્યા છે. તા. 28 મી એ સાંજે 7 વાગ્યે મેચનો આરંભ થશે.