હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોની દિલ્હી મુલાકાત પહેલા ભારત સરકાર અત્યાર સુધીના સૌથી મોટા ડિફેન્સ સોદાને લીલી ઝંડી આપવા જઈ રહી છે. આશરે ₹3.25 લાખ કરોડના ખર્ચે 114 રફેલ લડાકુ વિમાનો ખરીદવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) કાર્યક્રમ હેઠળ ભારતીય વાયુસેનાની ક્ષમતા વધારવા માટે 114 રફેલ વિમાનો ખરીદવાનો પ્રસ્તાવ આ અઠવાડિયામાં રક્ષા મંત્રાલય દ્વારા મંજૂર થવાની સંભાવના છે. મંજૂરી મળતા આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો હથિયાર સોદો ગણાશે.
હાલ ભારતીય વાયુસેનામાં 36 રફેલ વિમાનો સેવા આપી રહ્યા છે. અંબાલા અને પશ્ચિમ બંગાળના હાશીમારા એરબેઝ પરથી કાર્યરત આ વિમાનો ભારતની એર-ડિફેન્સ ક્ષમતાનું મુખ્ય સ્તંભ બન્યા છે. ગયા વર્ષે પહાલગામ આતંકી હુમલા પછી ભારતે ચલાવેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પણ રફેલ વિમાનોનો ઉપયોગ થયો હતો. લાંબા અંતરની SCALP ક્રૂઝ મિસાઇલ અને મીટિયર એર-ટુ-એર મિસાઇલથી સજ્જ આ વિમાનો ચોક્કસ નિશાન સાધવામાં અત્યંત ઘાતક માનવામાં આવે છે.
આ પણ વાંચો:સુરતમાં દંપતી અને માસુમ પુત્રનું ઘરમાં રહસ્યમય મોત: 4 દિવસ પહેલાં સાઉદી યાત્રા કરીને આવ્યા’તાં,મોતનું ચોક્કસ કારણ જાણવા વિસેરા લેવાયા
નવી ડીલ હેઠળ મોટા પ્રમાણમાં વિમાનો ભારતમાં જ બનાવાશે. પરિણામે ‘મેક ઇન ઇન્ડિયા’ને મોટો વેગ મળશે અને ટેક્નોલોજી ક્ષમતા વધશે. રક્ષા નિષ્ણાતો મુજબ નવા સ્ક્વોડ્રન ઉમેરાતા ભારતની હવાઈ સરસાઈ મજબૂત બનશે અને સરહદ પર દુશ્મન દેશો માટે વ્યૂહાત્મક દબાણ ઊભું થશે. વાયુસેનાના જૂના **MiG-21 જેવા વિમાનો નિવૃત્ત થતા ઘટેલી સ્ક્વોડ્રન સંખ્યા પણ આ સોદાથી મોટા પાયે પુરી થશે.
63 હજાર કરોડની અલગ ડીલ: નેવી માટે Rafale-M
ભારતે અગાઉ લગભગ ₹63 હજાર કરોડમાં 26 રફેલ-*M (મેરિન વર્ઝન) વિમાનો ખરીદવાનો સોદો કર્યો છે. આ વિમાનો INS વિકરાંત અને INS વિક્રમાદિત્ય એરક્રાફ્ટ કેરિયર પરથી કામગીરી માટે રહેશે અને સમુદ્રમાંથી હુમલા તથા જહાજોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ટેક્નોલોજી ટ્રાન્સફર, મેક ઇન ઇન્ડિયાને બળ
આ સોદાની ખાસિયત ટેક્નોલોજી ટ્રાન્સફર છે. ફ્રાન્સની દસૉલ્ટ એવિએશન સાથે ભાગીદારીમાં ભારતમાં જ રફેલના મુખ્ય ભાગોનું ઉત્પાદન થશે. હૈદરાબાદમાં આધુનિક ઉત્પાદન સુવિધા ઉભી થશે અને ભારતીય ઇજનેરોને અદ્યતન ફાઇટર જેટ ટેક્નોલોજીનો સીધો અનુભવ મળશે, જે ભવિષ્યના સ્વદેશી લડાકુ વિમાનોના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
