પેપ્સી, મેકડોનાલ્ડના કાઉન્ટર ઉપર એક પણ ભારતીય ન હોવો જોઈએ : બાબા રામદેવે કર્યું બહિષ્કારનું આહવાન
યોગ ગુરુ બાબા રામદેવે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફના વિરોધમાં અમેરિકી ઉત્પાદનોના સંપૂર્ણ બહિષ્કારનું આહ્વાન કર્યું છે. રશિયન તેલ ખરીદવા બદલ ટ્રમ્પે લાદેલા સૌથી ઊંચા ટેરિફને રામદેવે રાજકીય ગુંડાગીરી, ઉશ્કેરણી અને હુકમશાહી ગણાવી, ભારતીય નાગરિકોને અમેરિકી બ્રાન્ડ્સ જેવી કે પેપ્સી, કોકા-કોલા, સબવે, KFC અને મેકડોનાલ્ડ્સની દુકાનો પર ન જવા અપીલ કરી હતી.
રામદેવે એક નિવેદનમાં જણાવ્યું, “એક પણ ભારતીય નાગરિક પેપ્સી, કોકા-કોલા, સબવે, KFC કે મેકડોનાલ્ડ્સના કાઉન્ટર પર નજરે ન પડવો જોઈએ. એવો વ્યાપક સ્તરે બહિષ્કાર થવો જોઈએ કે અમેરિકામાં હાહાકાર મચી જાય.” તેમણે કહ્યું કે આ બહિષ્કારથી અમેરિકામાં ફુગાવો વધશે અને ટ્રમ્પને પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડશે. તેમણે સ્વદેશી ઉત્પાદનોને અપનાવવાની હિમાયત કરી અને આ બહિષ્કારને આર્થિક પ્રતિકાર અને રાષ્ટ્રીય ગૌરવનું કાર્ય ગણાવ્યું.
ટ્રમ્પના ભારત વિરોધી વલણને કારણે દેશમાં અમેરિકા વિરોધી લાગણી જોર પકડી રહી છે.આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘સ્વદેશી’ અપનાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જે કોઈ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માંગે છે, તેમણે દેશના હિતમાં બોલવું જોઈએ અને લોકોમાં ‘સ્વદેશી’ ખરીદવાનો સંકલ્પ જગાડવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું,”આપણે કંઈપણ ખરીદવાનો નિર્ણય લઈએ, તો એક જ માપદંડ હોવો જોઈએ – આપણે એ જ વસ્તુઓ ખરીદીશું જે ભારતીય શ્રમ, કૌશલ્ય અને માટીની સુગંધથી બની હોય. આપણે ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર અપનાવવો જોઈએ.” તેમણે ટ્રમ્પની નીતિઓ પર કટાક્ષ કરતાં કહ્યું કે વિશ્વમાં આર્થિક સ્વાર્થની રાજનીતિ ચાલી રહી છે, જેમાં દરેક પોતાના હિતોનું રક્ષણ કરવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : પ્રામાણિકતા જ સાચી નીતિ : રાજકોટ એરપોર્ટની પ્રશંસનીય કામગીરી,લાખોની કરન્સી સાથેનું વોલેટ મુસાફરને કર્યું પરત !
જો લોકો આ આહ્વાનને માન આપે તો પેપ્સી, કોકા-કોલા, મેકડોનાલ્ડ્સ, KFC અને સબવે જેવી અમેરિકન બ્રાન્સને ભારતના 1.5 અબજની વસ્તીવાળા બજારમાં બહિષ્કારનો સામનો કરવો પડી શકે છે, જેનાથી તેમને મોટું નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા જેવા દેશોમાં પણ અમેરિકી ઉત્પાદનોના બહિષ્કારની ચર્ચા ચાલી રહી છે.
ભારતમાંથી જંગી કમાણી
પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનાલ્ડ્સનું સંચાલન કરતી કંપની વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડ લિમિટેડે નાણાકીય વર્ષ 2024માં 2390 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી જે ગત વર્ષની સરખામણીએ 5 ટકાનો વધારો દર્શાવે છે. એ જ રીતે પેપ્સીકો ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024માં 8200 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. ભારત પેપ્સીકોના વૈશ્વિક ટોચના 15 બજારોમાં સામેલ છે અને કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં લગભગ 3500-4000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
