દિલ્હીની બે શાળા અને એક કોલેજમાં બોમ્બ મૂક્યા હોવાની ફરી એક વખત ધમકી મળતા ખળભળાટ
દિલ્હી એનસીઆરની બે શાળાઓ અને દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજને બોમ્બ મૂક્યા હોવાની ધમકી મળતા અફડાતફડી મચી ગઈ હતી. આ ધમકીને પગલે શાળા કોલેજો બંધ કરી તમામ વિદ્યાર્થીઓને પરત મોકલી દેવાયા હતા. પોલીસની તપાસમાં જોકે કાંઈ મળ્યું ન હતું. ધમકીનો આ ઈમેલ પણ કોઈ વિદ્યાર્થીએ જ કર્યો હોવાનું પોલીસનું માનવું છે.
પ્રાપ્ત વિગત મુજબ પૂર્વ દિલ્હીની એલકોન ઇન્ટરનેશનલ અને નોઈડા ની શિવ નાદર સ્કૂલ તથા દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજને શુક્રવારે સવારે આ ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. શાળા સંચાલકોએ તુરંત જ વાલીઓને જાણ કરી તેમના સંતાનોને ન મોકલવા અનુરોધ કર્યો હતો. જે વિદ્યાર્થીઓ સ્કૂલની બસમાં બેસી ગયા હતા તેમને પણ પરત મોકલી દેવાયા હતા. બનાવની જાણ થતા પોલીસ બોમ્બ સ્કવોડ, ડોગ સકવોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ત્રણે શૈક્ષણિક સંસ્થાઓના પરિસરોમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી.

બાદમાં નોઈડાના ડીસીપીએ એક પણ શંકાસ્પદ વસ્તુ ન મળી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે કોઈ વિદ્યાર્થીએ જ આ ઈમેલ કર્યો હશે. નોંધનીય છે કે આ અગાઉ પણ અનેક શાળા કોલેજોને આવી ધમકી મળી ચૂકી છે. જોકે શુક્રવારે મળેલો ઈમેલ દક્ષિણ ભારતની ભાષામાં હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ નોઈડા ની ચાર શાળાઓને મળેલી ધમકી એક નામાંકિત સ્કૂલના સગીર વિદ્યાર્થીએ કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. સ્કૂલે ન જવા માટે તેણે આ ધમકી આપી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે એ વિદ્યાર્થીને બાદમાં કલ્યાણ બોર્ડ સમક્ષ રજૂ કર્યો હતો.