ગાઝા – ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ
ઇઝરાયલે ‘ સ્ટેટ ઓફ વોર ‘ જાહેર કર્યું
હમાસના આતંકીઓ દ્વારા સમુદ્ર, આકાશ અને જમીન માર્ગે હુમલો
ઓછામાં ઓછાં 22 ઇઝરાયેલી નાગરિકોના મોત,500 ઘાયલ
35 ઇઝરાયેલી સૈનિકો સહિત અનેક નાગરિકો બંધક
વળતાં હુમલામાં ઇઝરાયેલ ગાઝા પર તૂટી પડ્યું.
ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ગાઝામાંથી શનિવારે સવારે ઇઝરાયેલ ઉપર હજારો રોકેટ વડે હુમલો થયા બાદ ઇઝરાયેલે ‘સ્ટેટ ઓફ વોર’ની જાહેરાત કરી હતી અને બાદમાં ઓપરેશન ‘ ‘આયર્ન સ્વોર્ડ ‘ હેઠળ જમીન,સમુદ્ર અને હવાઈ માર્ગે ગાઝા ઉપર વળતો હુમલો કર્યો હતો. હમાસે કરેલા હુમલામાં કમ સે કમ 22 ઇઝરાયેલી નાગરિકો તેમજ કેટલાક સૈનિકોના પણ મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. હમાસના લડાકુઓએ ઇઝરાયેલી નાગરિકો તથા સૈનિકોને બંધક બનાવતા મામલાએ ગંભીર વળાંક લીધો છે. આ હુમલા ને પગલે મધ્ય અને દક્ષિણ ઇઝરાયેલમાં મોટાભાગના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઇઝરાયેલી સત્તાવાળાઓએ રિઝર્વ ફોર્સના સૈનિકોને ફરજ પર હાજર થવા આદેશ કર્યો હતો.હમાસ દ્વારા પ્રથમ વખત હુમલામાં લોંગ રેન્જ રોકેટનો ઉપયોગ કરતા સ્થિતિ સ્ફોટક બની હતી. હમાસે ઇઝરાયેલના લશ્કરી થાણા તેમ જ એરપોર્ટને નિશાન બનાવ્યા હતા.એક અહેવાલ અનુસાર ઇઝરાયેલ માં જુદા જુદા 21 સ્થળે હમાસના આતંકીઓને ઈઝરાયેલી સેના વચ્ચે ઘર્ષણ ચાલુ હતું.
શનિવારે સવારે અચાનક જ ગાઝા પટ્ટીમાંથી હમાસ દ્વારા ઇઝરાયેલ ઉપર રોકેટોની વર્ષા શરૂ થઈ હતી. હમાસના કમાન્ડરે કહ્યું કે ઓપરેશન ‘ અલ અશ્ક ફ્લડ ‘ નો પ્રારંભ થઇ ચૂક્યો છે. હમાસના આતંકવાદીઓએ જમીન અને દરિયા માર્ગે ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી. હમાસના પેરાગ્લાઈડર આકાશમાંથી પણ ઇઝરાયેલની ભૂમિ ઉપર ઉતર્યા હતા. હમાસે ઇઝરાયેલ ઉપર 5000 રોકેટ હોવાનો દાવો કર્યો હતો. આ હુમલા ને પગલે તેલઅવિવ અને જેરુસલામ સહિત આખું દક્ષિણ ઇઝરાયેલ વિસ્ફોટકો અને સાયરનના અવાજથી ધણધણી ઉઠ્યું હતું.
આ હુમલામાં મોટી સંખ્યામાં ઇઝરાયેલના નાગરિકો માર્યા ગયા હોવાનું આરોગ્ય ખાતા ના પ્રવક્તાએ જણાવ્યું હતું. હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકો ઘાયલ થયા હતા. સરકાર દ્વારા લોકોને રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. એકલા બી’રસેવા નામના શહેરની હોસ્પિટલમાં જ 80 ઘાયલોને ભરતી કરવામાં આવ્યા હતા.હમાસ દ્વારા ઇઝરાયેલ ઉપર આ સ્તરનો હુમલો કરાયો હોય અને ઇઝરાયલે આટલી મોટી સંખ્યામાં નુકસાન સહન કરવું પડ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.
આ દરમિયાન તેલઅવિવમાં પણ અનેક સ્થળે આગજની અને વાહનો સળગતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા.એ જ રીતે આસ્કેલોન શહેરમાં પણ ઠેર ઠેર સળગેલા વાહનો અને ફાયર ફાઈટરની દોડધામ નજરે પડી હતી. સડેરોટ નામના ઇઝરાયેલી નગરમાં પેલેસ્ટેનિયન આતંકવાદીઓએ રાજમાર્ગો પરથી પસાર થતી ગાડીઓ ઉપર અંધાધુંધ ગોળીબાર કર્યા હતા. કીબુરઝ બેરી અને નેટીવ હઝારામાં હમાસના આતંકવાદીઓએ મોટી સંખ્યામાં લોકોને બંધક બનાવ્યા હોવાના અહેવાલ છે. ગાઝાથી 60 કિલો મીટર દૂર આવેલા કુસેઇફ નગરના મેયરના જણાવ્યા મુજબ રોકેટ હુમલામાં એ નગરના ચાર લોકો માર્યા ગયા હતા અને મોટી સંખ્યામાં અન્ય લોકો ઘાયલ થયા હતા.
ગન લઈને નીકળી પડો: હમાસ કમાન્ડર નું આહવાન
હમાસના મિલેટ્રી કમાન્ડર મહંમદ અલ દેઇફએ લોકોને હાથ વગું હથિયાર લઈ અને બહાર નીકળી પડવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે તમારી પાસે ગન હોય તો ગન, કુહાડી કે બીજા હોય એ હથિયારો લઈને ટ્રકમાં અને ગાડીઓમાં બહાર નીકળી પડો. આજે સૌથી વધારે સન્માનજનક ઇતિહાસની શરૂઆત થઈ છે. ઇઝરાયલ દ્વારા પેલેસ્ટેનિયન મહિલાઓ ઉપરના અત્યાચાર અને અલ અસ્ક મસ્જિદના અપમાન નો બદલો લેવા માટે આ હુમલો કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઇઝરાયેલ સૈનિકોના મૃતદેહ સાથે પરેડ
હુમલો કર્યા બાદ ગાજા અને પેલેસ્ટાઇનમાં હજારો લોકોએ રસ્તાઓ ઉપર આવી અને ઉજાણી કરી હતી.
હમાસના આતંકીઓએ ઇઝરાયેલની નાશ કરેલી ટેન્ક ઉપર નૃત્ય કર્યા હતા. બે ઇઝરાયેલી સૈનિકોના મૃતદેહ સાથે ગાઝામાં હમાસના આતંકીઓએ પરેડ કરી હોવાનું સ્થાનિક પત્રકારે ટ્વિટર ઉપર જણાવ્યું હતું.
મોટી સંખ્યામાં નાગરિકો અને સૈનિકોને બંધક બનાવ્યા
આ હુમલા દરમિયાન ઓછામાં ઓછા 35 ઇઝરાયેલી સૈનિકો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોને હમાસ દ્વારા બંધક બનાવાયા હોવાના બિન સત્તાવાર અહેવાલ છે. હમાસ દ્વારા ઘાયલ ઇઝરાયેલી સૈનિકને કારમાંથી બહાર કાઢી રસ્તા ઉપર ઢસાડવામાં આવતા હોય તેમ જ એક ઇઝરાયેલી મહિલાને ઉપાડી જવામાં આવતી હોય તેવા વિડિયો વાયરલ થયા હતા.
ઇઝરાયેલ અંધારામાં રહ્યું
ઇઝરાયેલનું જાસુથી તંત્ર આમ તો દુશ્મનોની દરેક ગતિવિધિ ઉપર નજર રાખવા માટે પ્રખ્યાત છે પણ શનિવારે હમાસે કરેલા પૂર્વયોજિત હુમલાની ઇઝરાયેલને ગંધ પણ નહોતી આવી. એક સાથે જમીન, સમુદ્ર અને હવાઈ માર્ગે હુમલો થતાં ઇઝરાયેલી સત્તાવાળાઓ તથા યુદ્ધ નિષ્ણાતો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અચાનક થયેલા હુમલાને કારણે હમાસના આતંકીઓ ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હતા.
જાનહાની થયાનો ઇઝરાયેલે સ્વીકાર કર્યો
ઇઝરાયેલ એ આ હુમલામાં 22 લોકના મૃત્યુ થયા હોવાનું અને અન્ય 500 લોકો ઘાયલ થયા હોવાનું જાહેર કર્યું હતું. જોકે ઇઝરાયેલી સૈનિકો અને નાગરિકોને બંધક બનાવાયા હોવાના અહેવાલો અંગે સત્તાવાળાઓએ કોઈ ટિપ્પણી કરી નહોતી. ઇઝરાયેલમાં અનેક સ્થળે દુશ્મનો સાથે યુદ્ધ ચાલુ હોવાનું ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું.
નેતન્યાહુએ યુદ્ધ જાહેર કર્યું.
ઇઝરાયેલ ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલ યુદ્ધમાં હોવાનું જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે ઈઝરાયેલ ઉપર હુમલો કરવાની હમાશે ગંભીર ભૂલ કરી છે અને તેના પરિણામો ભોગવવા પડશે. તેમની એક વર્ષના સાથે જ ઇઝરાયેલ એ ઝાઝાપાટી ઉપર ભયંકર બોમ્બે વર્ષા શરૂ કરી દીધી હતી. ઇઝરાયેલના વિપક્ષોએ પણ ઝાઝા ઉપર પડતો હુમલો કરવાના સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું. ઇઝરાયેલમાં કાનૂની સુધારાઓના વિરોધમાં રિઝર્વ ફોર્સના સૈનિકોએ અગાઉ ફરજ બજાવવાનો ઇન્કાર કર્યો હતો પણ ઇઝરાયેલ યુદ્ધભણી ધકેલાઈ જતા રિઝર્વ ફોર્સના તમામ સૈનિકો ફરજ પર હાજર થઈ ગયા હતા. ઇઝરાયલી સૈનિકોએ વેસ્ટ બેંક સહિત શરત નજીકની અનેક પેલેસ્ટેનિયમ વસાહતો ઉપર બલ્ડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું હતું
ગાઝામાં ગભરાટ
હમાસે હુમલો કર્યા બાદ ઇઝરાયેલ ગાઝાને ખેડાણ મેદાન કરી નાખશે એ ડરને કારણે સામાન્ય લોકોમાં ભારે ગભરાટની લાગણી ફેલાઈ હતી. સરહદ પાસેના હજારો પેલેસ્ટેનિયન નાગરિકોએ સ્થળાંતર શરૂ કરી દીધું હતું. ગાઝામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે દુકાનો ઉપર કતારો લાગી ગઈ હતી.
મામલો કેમ ભડક્યો?
યહૂદીઓના સુકોત તહેવાર દરમિયાન હજારો યહૂદીઓએ કબજા ગ્રસ્ત ઇષ્ટ જેરુ સલામ માં આવેલ અલ અશ્ક મસ્જિદમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યા બાદ મામલો સ્ફોટક બન્યો હતો. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી ઇઝરાયલી સૈનિકો દ્વારા પેલેસ્ટેનિયમ નાગરિકો ઉપર આચરવામાં આવેલા અત્યાચારને કારણે પણ વાતાવરણ બગડ્યું હતું. નોંધનીય છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ઇઝરાયેલી સૈનિકો એ કરેલી કાર્યવાહીમાં 247 પેલેસ્ટેનિયન નાગરિકો માર્યા ગયા છે.