અયોધ્યા રેલવે સ્ટેશન પાસેની દીવાલ પડી ગઈ !
વિડીયો વાયરલ થયા બાદ રેલવેએ ચોખવટ કરી કે મુખ્ય રેલવે સ્ટેશનની આ દીવાલ નથી; કોંગ્રેસે કહ્યું, રામની નગરીમાં પણ ભ્રષ્ટાચાર
ભગવાન રામની નગરી અયોધ્યામાં તૈયાર રેલવે સ્ટેશન પર રવિવારે એક ઘટના બની હતી. અહીં સ્ટેશન બહાર એક દીવાલ અચાનક ધરાશાયી થઈ જતાં દોડાદોડી થઈ ગઈ હતી. જો કે તેમાં કોઈને ઇજા થઈ નહતી. આ બાબતે પણ રાજકીય દંગલ શરૂ થઈ ગયું હતું.
કોંગ્રેસે ટ્વીટ કરીને એમ લખ્યું હતું કે ભાજપની સરકારે રામની નગરીમાં પણ ભ્રષ્ટાચાર કરી લીધો છે. જો કે ઉત્તર રેલવે દ્વારા ટ્વીટ કરીને એવી જાણકારી અપાઈ હતી કે ઘટનાના વિડિયોમાં બતાવાયેલી દીવાલ મુખ્ય સ્ટેશન ભવનનો ભાગ નથી, પણ રેલવે અને ખાનગી ભૂમિ વચ્ચેનો એક ભાગ છે.
કેટલાક લોકો દ્વારા ખોદકામ કરાયું હતું અને પાણી ભરાઈ ગયું હતું માટે દીવાલ પડી ગઈ હતી તેવી ચોખવટ રેલવે દ્વારા કરાઇ હતી. કોઈએ અયોધ્યા રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ કરી દીધો હતો અને એવો દાવો કર્યો હતો કે અયોધ્યા રેલવે સ્ટેશનની દીવાલ પડી ગઈ છે. જો કે રેલવેએ તેના પર ચોખવટ કરી દીધી હતી.