રાજ્યપાલના અક્કડ વલણને કારણે બે ધારાસભ્યોને શપથવિધિ અટકી
પશ્ચિમ બંગાળમાં ગવર્નર અને સરકાર સામસામે
બંને ધારાસભ્યો દ્વારા વિધાનસભા ભવનમાં ધરણા રાજ્યપાલ ગંદુ રાજકારણ રમતા હોવાનો આક્ષેપ
ભારતના એક પણ રાજ્યમાં અત્યાર સુધીમાં ન બન્યું હોય તેવું પશ્ચિમ બંગાળમાં બની રહ્યું છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથવિધિ કોણ કરાવે એ મુદ્દે ગવર્નર અને વિધાનસભાના અધ્યક્ષ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે બે ધારાસભ્યોની શપથવિધિ અટકી પડી છે.
આ મુદ્દે ગવર્નર સીવી આનંદ બોઝ અને મમતા સરકાર સામસામે આવી ગયા છે. વિધાનસભાના અધ્યક્ષએ આ મુદ્દે હસ્તક્ષેપ કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે તો બીજી તરફ બંને ધારાસભ્યોએ વિધાનસભા ભવનમાં ડોક્ટર આંબેડકરની મૂર્તિ નજીક ધરણા શરૂ કર્યા છે.
બનાવની વિગત એવી છે કે તાજેતરની ધારાસભાની પેટા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના સામંતિકા બંદોપાધ્યાય અને રાયત હુસૈન સરકાર વિજયી થયા હતા. નિયમ મુજબ તેમની શપથવિધિ કરવી જરૂરી હતી. એ માટે વિધાનસભાના અધ્યક્ષે ગવર્નરને સીવી આનંદ બોઝને જાણ કરી હતી. ગવર્નરે જોકે બંને ધારાસભ્યોની શપથવિધિ પોતે જ કરાવશે અને રાજભવનમાં જ કરાવશે તેવી જાણ કરતા મામલો ગુચવાયો હતો.
બીજી તરફ વિધાનસભાના સ્પીકર બીમાન બેનર્જીએ વિધાનસભા ભવનમાં પોતે અથવા ડેપ્યુટી સ્પીકર બંને ધારાસભ્યોની શપથવિધિ કરશે એવું જણાવ્યું હતું અને ગવર્નરને એ સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું હતું.
રાજ્યપાલે એ આમંત્રણનો અસ્વીકાર કરી શપથવિધિ કોણ કરાવે અને ક્યાં કરાવે એ નક્કી કરવાની સત્તા પોતાની હોવાનું જણાવ્યું હતું. તેમના આ હઠાગ્રહને કારણે બંને ધારાસભ્યોની શપથવિધિ અટકી ગઈ છે. આ મુદે કાંઈ સમાધાન થાય તે પહેલા ગવર્નર દિલ્હી ચાલ્યા ગયા હતા.
તેમના આ વલણના વિરોધમાં ટીએમસીના કાર્યકરોએ રાજભવન સામે દેખાવ કર્યા હતા. બંને ધારાસભ્યો પણ વિધાનસભા ભવનમાં ધરણા પર બેસી ગયા છે. વિધાનસભાના અધ્યક્ષે આ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ સાથે પણ વાત કરી હતી. જોકે ગવર્નરે નમતું ન ઝોખતા આ મામલો હજુ અટવાયેલો પડ્યો છે.
મહિલાઓ રાજભવનમાં જતા ડરે છે: મમતા બેનર્જી
મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટાયેલા ધારાસભ્યોએ શા માટે રાજભવનમાં જવું જોઈએ? વિધાનસભાના અધ્યક્ષ કે ડેપ્યુટી સ્પીકરને શપથવિધિ કરાવવાનો ગવર્નર આદેશ આપી શકે છે. તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ પ્રત્યે નિર્દેશ કરીને તેમણે કહ્યું કે મહિલાઓ રાજભવનમાં જતા ડરે છે. તેમણે શપથવિધિ જેવા મુદ્દે પણ રાજકારણ રમવા બદલ ગવર્નરની આકરી ટીકા કરી હતી. મમતા કહ્યું કે શપથવિધિ ન થવાને કારણે બંને ધારાસભ્યો પોતાનું કામ ચાલુ કરી શક્યા નથી.